મહાનગરપાલિકાની જમીન ઉપર ઉભેલા 1489 જેટલા ગેરકાયદે બાંધકામો તોડી પાડવા કાર્યવાહી
2500થી વધુ પોલીસ-અર્ધલશ્કરીદળોના બંદોબસ્ત હેઠળ જેસીબી-હિટાચી ધણધણ્યા
જંગલેશ્ર્વર સહિતના વિસ્તારોમાં ભારે ઉચાટનો માહોલ, 700થી વધુ લોકોએ સ્વેચ્છાએ દબાણો હટાવ્યા
દાયકાઓથી રહેતા લોકોની રોક્કળ અને ઘરવખરી બચાવવાના પ્રયાસો વચ્ચે વિશાળ ઓપરેશન
રાજકોટ શહેરના આજી નદીના કાંઠે આવેલી મહાનગર પાલિકાની માલિકીની આશરે 89 હજાર ચોરસ મીટર જમીનમાં છેલ્લા પાંચ દાયકા કરતા વધુ સમયથી ઉભેલી પાંચ સોસાયટીના 1489 જેટલા ગેરકાયદે બાંધકામો તોડવાનાં સૌરાષ્ટ્રના સૌથી મોટા ડિમોલિશનનો આજે સવારથી સજજડ સુરક્ષા વ્યવસથા વચ્ચે પ્રારંભ કરવામાં આવ્યો છે.
અમદાવાદના ચંડોળા તળાવ બાદ ગુજરાતનું આ બીજા નંબરનું સૌથી મોટું ડિમોલીશન માનવામાં આવે છે. લાંબા કાનુની જંગ અને અન્ય પ્રક્રિયાઓ બાદ આજે સવારથી આશરે 2500 જેટલા પોલીસ અને અર્ધલશ્કરી દળોના જવાનોના બંદોબસ્ત વચ્ચે 64 જેસીબી, 90 ટ્રેકટર, 7 હિટાચી, 50 બ્રેકર, 42 ગેસ કટર, 14 ડમ્પર, 100 ટ્રેકટર, 260થી વધુ મશીનો અને 1350 મજુરોના વિશાળ કાફલા સાથે ઓપરેશન હાથ ધરાયું છે અને સતત ત્રણ દિવસ સુધી ડિમોલીશનની આ કામગીરી ચાલુ રહેવાની શકયતા છે.
મ્યુનિ.કોર્પોરેશન દ્વારા અપાયેલી સતાવાર માહિતી મુજબ સવારે સાત ઝોનમાં એક સાથે 42 સ્થળે ડિમોલીશન શરૂ કરાયું છે. આ ઓપરેશન પુર્વે 700 લોકોએ સ્વેચ્છતાએ દબાણો હટાવ્યા છે જયારે આજે સવારથી રહેવાસીઓની રોક્કળ અને ઘરવખરી બચાવવાના પ્રયાસો વચ્ચે ભારે ઉચાટભર્યું વાતાવરણ જોવા મળે છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સરકારી જમીનો અને જાહેર માર્ગો પર દાયકાઓથી ખડકાયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે એક અભૂતપૂર્વ ઝુંબેશ શરૂૂ કરવામાં આવી છે. આ ઓપરેશન માત્ર એક વહીવટી પ્રક્રિયા નથી, પરંતુ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર માટે પણ એક મોટો પડકાર બનીને ઉભરી રહ્યું છે. જંગલેશ્વર વિસ્તારમાં વહેલી સવારથી જ સેંકડો જેસીબી અને હજારો પોલીસ જવાનોના કાફલાએ ધામા નાખ્યા છે, જેને પગલે સમગ્ર પંથકમાં ભારે ઉત્તેજના અને ક્યાંક ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.
રાજકોટ મનપા કમિશનર તુષાર સુમરાએ આ મેગા ઓપરેશન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, જંગલેશ્વરમાં કુલ 1489 મકાનો અને નાના-મોટા દબાણોને દૂર કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ કામગીરીને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવી છે, જેમાં પ્રથમ તબક્કે 15 મીટરના રોડ પર આવતા 497 નડતરરૂૂપ દબાણોને હટાવવામાં આવશે જેથી ભવિષ્યમાં ટ્રાફિક અને માળખાગત સુવિધાઓનો વિકાસ થઈ શકે. બીજા તબક્કે, સરકારી ખરાબાની કિંમતી જમીન પર ખડકાયેલા 992 જેટલા ગેરકાયદેસર આવાસોને જમીનદોસ્ત કરવાની યોજના છે. કમિશનરના જણાવ્યા મુજબ, તંત્ર દ્વારા છેલ્લા 48 કલાકથી સ્થાનિક રહેવાસીઓ સાથે સતત સંવાદ અને સમજાવટની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેના સકારાત્મક પરિણામ સ્વરૂૂપે 1400 ના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં 700 થી વધુ પરિવારોએ સ્વેચ્છાએ પોતાના આવાસ ખાલી કરી સહકાર આપ્યો છે.
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ઉઠાવ્યા સવાલ
જંગલેશ્વરના આ મેગા ડિમોલિશન મુદ્દે રાજ્યનું રાજકારણ પણ ગરમાયું છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આ મુદ્દે તંત્ર અને સરકાર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, જ્યારે વર્ષોથી આટલું મોટું દબાણ થઈ રહ્યું હતું, ત્યારે તમે ક્યાં હતા? તેમણે ઉમેર્યું કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોએ પોતાની જિંદગીની આખી મૂડી આ મકાનો બનાવવામાં ખર્ચી નાખી છે, ત્યારે હવે તેમને બેઘર કરવા તે કેટલું યોગ્ય છે?
સોશિયલ મીડીયા પર ફેલાતી અફવાઓથી સાવધ રહો: ડીસીપી
આ સંવેદનશીલ કામગીરી દરમિયાન શાંતિ જળવાઈ રહે તે માટે રાજકોટ ક્રાઈમ બ્રાંચના ડીસીપી જગદીશ બાંગરવાએ જનતાને સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી અફવાઓથી સાવધ રહેવા નમ્ર અપીલ કરી છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે સાયબર ક્રાઈમની ટીમ તમામ ડિજિટલ પ્લેટફોર્મ્સ પર સતત વોચ રાખી રહી છે. જો કોઈ વ્યક્તિ ઉશ્કેરણીજનક સંદેશા, ફેક ન્યૂઝ કે ભય ફેલાવવાનો પ્રયાસ કરશે, તો તેની સામે કાયદાકીય સકંજો કસવામાં આવશે. તંત્રનો હેતુ માત્ર દબાણ હટાવવાનો છે અને નાગરિકોને કાયદો હાથમાં ન લેવા તેમજ શાંતિ જાળવવા વિનંતી કરવામાં આવી છે.
