પાટીદાર ચોકથી કણકોટ સુધીનાં રસ્તા પરથી ડામર જ ગાયબ

માત્ર ત્રણ જ મહિનામાં ભ્રષ્ટાચાર બહાર આવ્યો: રસ્તો નહીં બને તો ભાજપમાંથી રાજીનામું આપવાની ચીમકી આપતા નરેન્દ્ર રાઠોડ ભંગાર થયેલા રોડ રસ્તાથી લોકો ત્રાહીમામ પોકારી…

માત્ર ત્રણ જ મહિનામાં ભ્રષ્ટાચાર બહાર આવ્યો: રસ્તો નહીં બને તો ભાજપમાંથી રાજીનામું આપવાની ચીમકી આપતા નરેન્દ્ર રાઠોડ

ભંગાર થયેલા રોડ રસ્તાથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે અને રજુઆત કરવા છતા તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. શહેરના વિકાસ પામેલા વિસ્તારો અને નવા ડેવલપ થતા વિસ્તારોમાં કમરતોડ રસ્તાથી અકસ્માતનો ખતરો રહેલો હોવા છતાં અને આંદોલન કરવા છતા પણ રસ્તા નહી બનતા હોવાની ફરીયાો ઉઠી રહી છે ત્યારે રોડ રસ્તા બાબતે હવે સતાધારી પક્ષના જ નેતા મેદાનમાં આવ્યા છે અને પાટીદાર ચોકથી કણકોટ ગામ સુધીનો રસ્તો અને જસવંતપુર ઉમીયાધામ સુધીનો રસ્તો બનાવવા માંગ કરવામાં આવી છે.

આ અંગે ભાજપ નેતા નરેન્દ્રભાઈ રાઠોડે જણાવ્યું છે કે અમે કણકોટ રહીએ છીએ અને વધુમાં જણાવવાનું કે પાટીદાર ચોકથી ઉમિયાધામ જસવંતપુર ગામ સુધી રસ્તો તા.12/12/2024ના રોજ શ્રી ઉમિયા માતાજીના મંદિરનું ખાતમુર્હત પ્રસંગે આવેલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવ્યા ત્યારે તાબડતોબ ડામર રોડ મેટલ પાથરી નવો બનાવવામાં આવેલ. તે માત્ર 3 મહિનામાં જ તુટી ગયેલ છે, તો આવો ભ્રષ્ટાચાર કરતા જે કોઈ જવાબદાર અધિકારી તથા કોન્ટ્રાકટર એજન્સીને તાત્કાલીક ધોરણે રદ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે રસ્તાનું કામ કરવામાં આવે. વધુમાં પાટીદાર ચોકથી કણકોટ ગામ સુધી રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે.

આ રસ્તા પર હજારો વાહનોની અવરજવર થતી હોય તો અત્યારે વાહન ચાલકોને પાણી ભરાયેલ હોય ખાડા ખુબ મોટા હોય, તો વાહન ચાલકોની આ હાલાકી તાત્કાલીક ધોરણે આ રોડનું કામ કરી દૂર કરવામાં આવે, નહિતર મજબુરીએ ’ગાંધી ચિંધ્યા માર્ગે’ મારે તથા મારા ટેકેદારો સાથે આંદોલન તેમજ ધરણા કરવાની ફરજ પડશે. આંદોલન દરમિયાન કોઈપણ જાનહાની, કોઈપણ પ્રકારનું નુકશાન થાય તો તેની તમામ જવાબદારી રાજકોટ જીલ્લા વિકાસ અધિકારીની રહેશે. તો આપને વિનંતી છે છે આ મુશ્કેલી તાત્કાલીક ધોરણે દુર કરવી.
લોકહિત ધ્યાને લઈ તાત્કાલીક ધોરણે આ કામ કરવામાં નહિં આવે તો હું લોકસેવક ભારતીય જનતા પાર્ટીમાંથી હું રાજીનામું ધરવા તૈયાર છું. અને કોર્ટમાં પણ જરૂર પડે અમે જઇશું તેવી પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *