ધ્વનિ પ્રદૂષણ અટકાવવા ટીમનું ગઠન કરતા કલેક્ટર
15 પાર્ટીપ્લોટમાં તપાસ કરાઇ, ત્રણ ગુના નોંધી સ્પીકર કબજે કરાયા
રાજકોટ શહેર અને તાલુકા વિસ્તારમાં લગ્નપ્રસંગોમાં મોડીરાત સુધી મ્યુઝિકનો ઘોંઘાટ ફેલાવતા ખૂલ્લા પાર્ટીપ્લોટો અંગે જિલ્લા કલેક્ટર સુધી ફરિયાદો પહોંચતા કલેક્ટરે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, મ્યુનિ.કોર્પોરેશન અને પોલીસની તપાસ ટીમ બનાવી 15 જેટલા પાર્ટી પ્લોટમાં ચકાસણી કરાવી કેટલાક સામે ગુના પણ દાખલ કરાવતા પાર્ટીપ્લોટ સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે જો કે, તંત્ર દ્વારા અમૂક પાર્ટીપ્લોટોમાં તપાસ જ કરાઇ નહીં હોવાનો પણ કેટલાક સંચાલકોએ આક્ષેપ કર્યો હતો.
રાજકોટ શહેરનાં રંગોલી પાર્ક વિસ્તારમાં આવેલ ખુલ્લા પાર્ટી પ્લોટમાં થતા કાર્યક્રમોના કારણે વારંવાર થતા ધ્વનિ પ્રદુષણ અંગે સ્થાનિકો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. આ અંગે કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રભવ જોશીએ મામલતદાર-રાજકોટ તાલુકા, પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, તાલુકા પોલીસ સ્ટેશન અને આર.એમ.સી.ના અધિકારીઓની તપાસ ટીમ બનાવી રંગોલી પાર્ક વિસ્તારમાં આવેલ તમામ પાર્ટી પ્લોટની તપાસ કરવા આદેશ કર્યો હતો.
તપાસ ટીમ દ્વારા તા.29/05/2025ના રોજ રંગોલી પાર્ક વિસ્તારમાં આવેલ કુલ-15 પાર્ટી પ્લોટની તપાસ કરવામાં આવી હતી. ધ્વનિ પ્રદુષણ અંગે જી.પી.સી.બી.ના નિયમો તથા પોલીસ કમિશનર, રાજકોટ શહેરના જાહેરનામાના ભંગ બદલ પાર્ટી પ્લોટના માલિક/આયોજકો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ-223 મુજબના કુલ-3 ગુન્હાઓ નોંધવામાં આવ્યા હતા. ધ્વનિ પ્રદુષણ ફેલાવતા સાઉન્ડ સિસ્ટમ/ડી.જે.ના સ્પીકર પોલીસ દ્વારા કબ્જે લેવામાં આવ્યા હતા. સંયુક્ટ ટીમ દ્વારા તમામ પાર્ટી પ્લોટના માલિકોને ધ્વનિ પ્રદુષણ અંગેના પ્રવર્તમાન નિયમો અને પોલીસ કમિશનર, રાજકોટના જાહેરનામાની અમલવારીનું ચુસ્તપણે પાલન કરવા સુચના આપવામાં આવી હતી.
આગામી સમયમાં પણ ધ્વનિ પ્રદુષણ અંગેના નિયમોના ભંગ બદલ પ્રદુષણ નિયંત્રણ બોર્ડ-રાજકોટ, પોલીસ કમિશનર-રાજકોટ શહેર, રાજકોટ મહાનગર પાલિકા અને મામલતદાર, રાજકોટ તાલુકા દ્વારા સમયાંતરે કાર્યવાહી કરવામાં આવશે તેમ જિલ્લા વહીવટી તંત્રની યાદીમાં જણાવાયું છે.
