મુંજકા રેન્જ ફોરેસ્ટની કચેરીમાં ગત જાન્યુઆરીમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. ઓફિસે હાજરી પુરાવવા આવેલા આરોપીને આર.એફ.ઓ. સહિતના સ્ટાફે ફડાકા ઝીંકી કાનનો પડદો ફાડી નાખ્યો હતો. યુવકે દોઢ મહિના પૂર્વે બનેલી ઘટનાની યુનિ.પોલીસ મથકમાં જાણ કરતા દોઢ મહિના બાદ ફરિયાદ નોંધાઈ છે.
અમરેલી જિલ્લાના બાબરા રોડ રાજકોટ-ભાવનગર હાઇવે પાસે આવેલા ચાવંડ ગામે રહેતા આરિફભાઈ કાળુભાઈ સૈયદ(ઉં.વ.48) દ્વારા યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે વિક્રમસિંહ પરમાર, હંસાબેન મોકરિયા, ડાંગરભાઈ તથા ઝાલાભાઇના નામ આપ્યા હતા. આરિફે ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે વોશિંગ મશીન-ફ્રીઝ રિપેરિંગનું કામ કરે છે. તેના વિરુદ્ધ સામાજિક વનીકરણની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. જે ગુનામાં તેની ધરપકડ બાદ તે જેલહવાલે થયો હતો અને દર માસની પહેલી તથા 15મી તારીખે રેન્જ ફોરેસ્ટ મુંજકાની ઓફિસે 6 માસ સુધી હાજરી પુરાવાનો આદેશ થયો હતો.
ગત તા.1 જાન્યુઆરીના આરિફભાઇ મુંજકા ફોરેસ્ટ ઓફિસે હાજરી પુરાવવા ગયા હતા. તેમની સાથે રાણાભાઈ નામનો વ્યક્તિ પણ હાજરી પુરાવવા આવેલો હતો. હાજરી પૂરનાર ફોરેસ્ટ કર્મચારી હાજર નહીં હોવાથી રાણાભાઈએ આરએફઓ વિક્રમસિંહ પરમાર તથા મહિલા કર્મચારી મોકરિયાને ફોન કરતા બંનેએ કહ્યું હતું કે, થોડી વારમાં કોઈ કર્મચારી આવશે ત્યાં બેસો. થોડીવાર બાદ આરએફઓ વિક્રમસિંહ પરમાર આવ્યા હતા અને તેમણે આરિફભાઈનો મોબાઈલ લઇ તપાસ શરૂૂ કરી હતી.
આરિફભાઈએ પોતે કઈ જાણતા ન હોય તેથી કઈ ઉત્તર આપ્યો ન હતો. સાંજે સાતેક વાગ્યે ફરીથી ઓફિસમાં બોલાવતા ત્યાં અગાઉથી હાજર વિક્રમસિંહ, હંસાબેન મોકરિયા, ડાંગરભાઈ તથા ઝાલાભાઈએ લાકડીઓ તથા પ્લાસ્ટિકના પાઇપ ફટકારવાનું શરૂૂ કર્યું હતું. બાદમાં વિક્રમસિંહ પરમાર તથા ડાંગરભાઈએ આરિફભાઈને કાનમાં ફડાકા ઝીંક્યા હતા. બહેરહેમીથી માર મરાતા આરિફભાઇ ઓફિસની બહાર નીકળી ગયા હતા.
રાત્રિના અગિયાર વાગ્યે ફોરેસ્ટના અધિકારી અને કર્મચારીઓએ આરિફભાઈને ફરીથી પૂછપરછ માટે અંદર બોલાવી ગાળો ભાંડી ઢીકાપાટુનો માર માર્યો હતો. રાત્રિના દોઢેક વાગ્યે હાજરી પૂર્યા બાદ આરએફઓ વિક્રમસિંહે કહ્યું હતું કે, આવતી તારીખમાં આનાથી પણ વધુ ખરાબ હાલત કરી નાખીશ,તારે જ્યાં જવું હોય ત્યાં જા’. ત્યારબાદ આરિફભાઈ ચાવંડ પોતાના ઘરે જતા રહ્યા હતા.
બીજા દિવસે સવારે તેમની તબિયત લથડતા અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમના કાનનો પડદો ફાટી ગયો હોવાનું તબીબોના નિદાનમાં સ્પષ્ટ થયું હતું. તેમજ ઢોરમાર મારવાને કારણે આરિફભાઇની ગરદન તથા શરીરે મોઢા પર સોજા તથા પગની પિંડીમાં ચાંભા પડી ગયા હતા. અંતે આ મામલે યુનિવર્સિટી પોલીસે આરએફઓ સહિત ફોરેસ્ટ વિભાગના ચાર કર્મચારી સામે ગુનો નોંધ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ફરિયાદી થોડા સમય પહેલા 2.96 કરોડની માછલીની ઉલ્ટી સાથે શાસ્ત્રી મેદાન નજીક થી પકડાયો હતો.
