ગીર સોમનાથના ડોળાસામાં મારામારીના ગુનાનો આરોપી એમએલએ ગુજરાત લખેલું બોર્ડ લગાવી ફરતો’તો

ગીર સોમનાથ જિલ્લાના ડોળાસા નજીક મારામારીના ગુનામાં મુખ્ય આરોપી નિલય ઉર્ફે ભુરો રામભાઈ વાળા (ઉના) સામે વધુ એક ગુનો નોંધાયો છે. આરોપી પોતાની સ્કોર્પિયો કાર…

ગીર સોમનાથ જિલ્લાના ડોળાસા નજીક મારામારીના ગુનામાં મુખ્ય આરોપી નિલય ઉર્ફે ભુરો રામભાઈ વાળા (ઉના) સામે વધુ એક ગુનો નોંધાયો છે. આરોપી પોતાની સ્કોર્પિયો કાર (રજી.નં. GJ-32-AA-5680) પર “MLA GUJARAT” લખેલું ખોટું બોર્ડ લગાવી રોફ જમાવતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ ઘટના 11 ફેબ્રુઆરી, 2026ની રાત્રે ડોળાસા ગામે બની હતી. ફરિયાદી દિલીપભાઈ જેઠાભાઈ મોરી (ઉં.વ. 46) મોટરસાયકલ પસાર કરવા બાબતે આરોપી અને તેના સાગરિતોએ મારામારી કરી હતી.

આ અંગે કોડીનાર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 118(1), 115(2), 351(3), 54 તથા જી.પી.એક્ટ-135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ સબ-ઇન્સ્પેક્ટર જી.એન. કાછડ દ્વારા ઘટનાસ્થળનું પંચનામું, સાક્ષીઓના નિવેદનો અને ટોલ નાકાના CCTV ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન આરોપીની સ્કોર્પિયો કારમાંથી “MLA GUJARAT” લખેલું બોર્ડ જપ્ત કરવામાં આવ્યું હતું. આરોપી કોઈ ધારાસભ્ય કે સરકારી હોદ્દેદાર ન હોવા છતાં ખોટો હોદ્દો દર્શાવી લોકોને ભ્રમિત કરતો હોવાનું સામે આવ્યું હતું. આથી, તેની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 204 મુજબ અલગથી ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસે આશરે 5 લાખ રૂૂપિયાની કિંમતની સ્કોર્પિયો કાર જપ્ત કરી છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ લાંબો છે, જેમાં ઉના અને અમરેલી ખાતે મારામારી, ધમકી અને પ્રોહીબીશન સંબંધિત અનેક ગુનાઓ નોંધાયેલા છે. જિલ્લા પોલીસ વડા જયદિપસિંહ જાડેજાએ જાહેર જનતાને ચેતવણી આપી છે કે, કેન્દ્ર કે રાજ્ય સરકારના પદાધિકારીઓના બોર્ડ, નિશાની કે નામનો ખોટો ઉપયોગ કરનાર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *