80 હજાર કરોડનો ભારતમાલા પ્રોજેક્ટ ધ્રોલ પહોંચીને બાબુશાહીમાં અટવાયો

કેન્દ્ર સરકારના મહત્ત્વાકાંક્ષી ઈકોનોમિક કોરિડોરને નડ્યું અધિકારીઓની તુમારશાહીનું ગ્રહણ આખો કોરિડોર તૈયાર થઈ ગયો પણ ધ્રોલ નજીક માત્ર 12.25 કિ.મી. રોડનું કામ હજુ શરૂ થયુ…

કેન્દ્ર સરકારના મહત્ત્વાકાંક્ષી ઈકોનોમિક કોરિડોરને નડ્યું અધિકારીઓની તુમારશાહીનું ગ્રહણ

આખો કોરિડોર તૈયાર થઈ ગયો પણ ધ્રોલ નજીક માત્ર 12.25 કિ.મી. રોડનું કામ હજુ શરૂ થયુ નથી

વિવાદ વગર જમીન સંપાદન થઈ ગયું હોવા છતાં 16 માંથી ખેડૂતોને વળતર ચૂકવવામાં ભયંકર હેરાનગતિ

“નેશનલ હાઈવે ઓથોરિટી અને પ્રાંત કચેરી વચ્ચે ફંગોળાતી ફાઈલોના કારણે સરકારને વ્યાજનો પણ કરોડોનો ડામ”

ભારત સકરારના રિલાયન્સ-જામનગર, એચપીસીએલ-બાડમેર રાજસ્થાન અને એચએમ ઈએલ ભટિંડા પંજાબ અને મોટી રિફાઈનરીઓને રોડ માર્ગે જોડવા માટેના અતિ મહત્વના એવા ભારતમાલ ફેઈઝ-1ના ઈકોનોમિક કોરીડોરનું કામ જામનગર જિલ્લાના ધ્રોલ નજીક સરકારી બાબુશાહીના કારણે લાંબા સમયથી અટકી પડ્યું હોવાનું જાણવા મળે છે.


કેન્દ્રીય પરિવહન મંત્રી વારંવાર નેશનલ હાઈ-વેની કામગીરીની ઝડપના અવાર નવાર વખાણ કરતા થાકતા નતી પરંતુ ગુજરાતમાં સ્થિતિ બિલકુલ ઉલ્ટી છે. ભારતમાલા પ્રોજેક્ટના જામનગર જિલ્લાના ધ્રોલ નજીક 12.25 કિલોમીટરનો રોડનનો ટુકડો બનાવવાનુંકામ તા. 13/3/2024એ શરૂ કરવાનું હતુ પરંતુ ડિસેમ્બર માસ પુરો થવા આવ્યો ત્યાં સુધી કામ શરૂ થઈ શક્યુ નથી. જમીન સંપાદનનો પણ કોઈ વિવાદ નથી. આમ છતાં માત્ર વળતર ચુકવણુ નેશનલ હાઈવે ઓથોરિટી અને રેવન્યુ તંત્રની બાબુશાહીમાં અટવાઈ જતાં કામ અટકી પડ્યું હોવાની વિગતો જાણવા મળી છે.


ધ્રોલથી અમરણ વચ્ચે આ ફેઈઝની જમીન સંપાદનનું જાહેરનામું તા. 8 ઓગસ્ટ 2023ના બહાર પાડી ગયું હતું. અને ખેડુતોની જમીનના કબજા લેવાઈ ગયા હતાં. તેમ છતાં આજ સુધી ખેડુતોને અને પ્લોટ હોલ્ડરોને વળતરની રકમ નહીં ચુકવાતા નિયમો મુજબ સરકારને કરોડો રૂપિયાનું વ્યાજ પણ ચુકવવું પડે તેવી સ્થિતિ સર્જાયેલ છે.
આ એન.એચ.-151એ હાઈ-વેના માળિયા મિયાણાથી-ધ્રોલ સુધઈના 50.42 કિ.મી.નું કામ તો પુરુ પણ થઈ ગયું છે. પરંતુ ધ્રોલ બાયપાસ અને આમરણ સેક્શનનું માત્ર 12.25 કિ.મી.નું કામ હજુ શરૂ જ થયુ નહીં હોવાથી 80 હજાર કરોડની આ ઈકોનોમિક કોરિડોરની યોજના લટકી ગઈ છે.


સ્થાનિક ખેડુતોનું કહેવું છે કે, 16 મહિના પહેલા ઓગ્સટ 2023માં જાહેરનામું બહાર પાડ્યું ત્યારથી ખેડુતોને ખેતીકામ પણ કરવાદેવામાં આવતુ નથી. ધ્રોલ-માવાપર સહિતની ખેતી અને બિનખેતીની જમીનોનું વળતર પણ નક્કી થઈ ગયું છે. પરંતુ 16 મહિનાથી ફાઈલો ધ્રોલ પ્રાંત કચેરી અને નેશનલ હાઈવે ઓથોરીટી વચ્ચે ફૂટબોલની માફક ઉછાળી રહી છે. અને ખેડુતોને આજ સુધી વળતર મળ્યુ નથી. ખેડુતોને અવારનવાર બોલાવીને ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે.


નિયમ મુજબ ખેડુતોને જેટલુ મોડુ વળતરની રકમ ઉપર 12 ટકા વ્યાજ ચુકવવું પડે છે અને જો એક વર્ષ કરતા મોડુ વળતર ચુકવાય તો સરકારે 15 ટકા વ્યાજ ચુકવવું પડે છે.


આ કિસ્સામાં જમીન સંપાદનની પ્રક્રિયામાં કોઈપણ જાતનો વિવાદ ન હોવા છતાં માત્ર અધિકારીઓની અણઆવડત અને આળસના કારણે 16 માસથી ખેડુતોને વળતર નહીં ચુકવાતા હવે સરકારે 12 ટકાના બદલે 15 ટકા વ્યાજ ચૂકવવું પડેત ેવી સ્થિતિ સર્જાઈ છે. આ વધારાનું વ્યાજ ચુકવવું પડે નહીં તે માટે અધિકારીઓએ કાગળની રમતો શરૂ કરી દીધાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે.


અત્યાર સુધી કાનુની વિવાદમાં નહી ફસાયેલો આ જમીનનો વિવાદ હવે વ્યાજના ડિફરન્સની રકમના કારણે કાનુની વિવાદમાં ફસાય તેવી શક્યતા છે. ખેડુતોનું કહેવું છે કે, નેશનલ હાઈવે ઓથોરિટીના જવાબદાર અધિકયારી અને ધ્રોલના પ્રાંત અધિકારી બન્ને બિનગુજરાતી હોવાથી અવારનવાર રજાઓ મુકી વતનમાં જતા રહે છે. અને તેના કારણે ખેડુતોને વળતર માટે ભીખારીની માફક કચેરીઓના પગથિયા ઘસવા પડી રહ્યા છે.

સાંસદ પૂનમબેન અને મંત્રી રાઘવજી પટેલ પણ મૌન
કેન્દ્ર સરકારનો દેશની ત્રણ મોટી રિફાઈનરીને જોડતો ભારતમાલા ઈકોનોમી કોરિડોર જામનગર જિલ્લાના ધ્રોલ નજીક આવીને માત્ર અધિકારીઓની આળસ અને અણઆવડતના કારણે અટકી ગયો છે. અને લગભગ 16 માસથી ખેડુતો વળતર માટે સરકારી કચેરીઓના પગથિયા ઘસી રહ્યા છે. પરંતુ આ વિસ્તારના સાંસદ પૂનમબેન માડમ અને કેબીનેટમંત્રી રાઘવજી પટેલ પણ મૌન છે. ખેડુતો આ અંગે રજૂઆતો કરી કરીને થાકી ગયા છે. હવે વધારાના વ્યાજના મામલે કાનુની વિવાદ ડોકાઈ રહ્યો છે. ત્યારે ગુજરાતને અપજશ મળે તે પહેલા સાંસદ પૂનમબેન માડમ અને કેબીનેટમંત્રી રાઘવજી પટેલ યોગ્ય નિરાકરણ લાવે તે જરૂરી છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *