ભાવનગર જિલ્લા પંચાયતની 5 વર્ષની મુદત મંગળવારે પૂર્ણ

ભાવનગર જિલ્લા પંચાયતની પાંચ વર્ષની ટર્મ આગામી 17મી માર્ચ-2026ના રોજ પૂર્ણ થઈ રહી છે. અત્યાર સુધી ચૂંટણીની કોઈ સત્તાવાર જાહેરાત ન થઈ હોવાથી, રાજ્ય સરકાર…

ભાવનગર જિલ્લા પંચાયતની પાંચ વર્ષની ટર્મ આગામી 17મી માર્ચ-2026ના રોજ પૂર્ણ થઈ રહી છે. અત્યાર સુધી ચૂંટણીની કોઈ સત્તાવાર જાહેરાત ન થઈ હોવાથી, રાજ્ય સરકાર દ્વારા જિલ્લા પંચાયતનો વહીવટ સંભાળવા માટે વહીવટદાર (એડમિનિસ્ટ્રેટર) ની નિમણૂક કરવામાં આવશે. 18મી માર્ચથી વહીવટદાર વિધિવત રીતે કાર્યભાર સંભાળશે અને તમામ પંચાયતી નિર્ણયો તેમના હસ્તક રહેશે.

માત્ર જિલ્લા પંચાયત જ નહીં, પરંતુ જિલ્લાની 10 તાલુકા પંચાયતો (ભાવનગર, ઘોઘા, તળાજા, મહુવા, જેસર, પાલીતાણા, ગારિયાધાર, ઉમરાળા, વલ્લભીપુર અને જેસર) ની મુદત પણ 17 માર્ચે પૂરી થઈ રહી છે. આ તમામ તાલુકા પંચાયતોમાં પણ વહીવટદારી શાસન અમલી બનશે. હાલની સ્થિતિએ પંચાયતના પ્રમુખ અને સભ્યો પાસે માત્ર જૂજ દિવસોની સત્તા બાકી રહી છે. ઉલ્લેખની એ છે કે ભાવનગર જિલ્લા પંચાયતમાં કુલ 40 બેઠકો છે, જેમાં હાલ ભાજપ બહુમતીમાં છે અને કોંગ્રેસ વિપક્ષમાં છે.

17મી માર્ચ પછી પ્રમુખ સહિતના તમામ 40 સદસ્યો હોદ્દા પરથી મુક્ત થશે. ત્યારબાદ જિલ્લા પંચાયતના તમામ વહીવટી અને નાણાકીય નિર્ણયો વહીવટદાર લેશે.વહીવટદાર તરીકે જિલ્લા વિકાસ અધિકારી (ઉઉઘ) અથવા અન્ય ઉચ્ચ અધિકારીને જવાબદારી સોંપવામાં આવી શકે છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પાછી ઠેલાતા હવે વહીવટદારો જ વિકાસના કામો અને વહીવટી પ્રક્રિયા પર દેખરેખ રાખશે.હવે એપ્રિલ કે મે મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાય તેવી શક્યતા છે. ત્યાં સુધી પંચાયતનો સંપૂર્ણ દોરીસંચાર સરકારી અધિકારીઓના હાથમાં રહેશે. વહીવટદારની નિમણૂક બાદ પંચાયતની રાજકીય ગતિવિધિઓ પર હાલ પૂરતું વિરામ લાગશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *