રાજકોટ એરપોર્ટ પર આતંકવાદીએ 65 મુસાફર સાથેની ફ્લાઇટ હાઈજેક કરી

કમાન્ડોએ પ્લેન ઘેરી લીધું, નેગોશિએટરે વાર્તાલાપ જારી રાખ્યો, ચોમેર ઘેરાઈ જતાં આખરે આતંકીઓનું આત્મસમર્પણ એરઈન્ડિયાની 65 મુસાફરો સાથેની એક ફ્લાઈટ હાઈજેક થઈ છે…” રાજકોટ ઈન્ટરનેશનલ…

કમાન્ડોએ પ્લેન ઘેરી લીધું, નેગોશિએટરે વાર્તાલાપ જારી રાખ્યો, ચોમેર ઘેરાઈ જતાં આખરે આતંકીઓનું આત્મસમર્પણ

એરઈન્ડિયાની 65 મુસાફરો સાથેની એક ફ્લાઈટ હાઈજેક થઈ છે…” રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટના કંટ્રોલ રૂૂમમાં આજે સવારે સાડા અગિયાર કલાકે આ મેસેજ આવતા જ દોડધામ મચી… આતંકવાદીઓએ કેન્દ્રીય ગૃહમંત્રી સાથે વાત કરવાની જીદ કરી અને એક હવાઈ મુસાફરને ઇજા પણ પહોંચાડી. પરંતુ ભારત સરકારના પ્રતિનિધિએ મક્કમતાથી વાર્તાલાપ જારી રાખ્યો. બીજી તરફ કમાન્ડોએ પ્લેનની ઘેરાબંધી કરી ત્રણેય આતંકવાદીઓને આત્મ સમર્પણ કરવા મજબૂર કર્યા. આખરે ત્રણેયને હિરાસતમાં લઈએ આગળની કાર્યવાહી માટે પોલીસને સોંપી દેવાયા.

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે સવારે તમામ સ્ટાફ કામગીરીમાં વ્યસ્ત હતો. આ સમયે સવારે સાડા અગિયાર કલાકે એ.ટી.સી.ને મેસેજ મળ્યો કે, એર ઈન્ડિયાની એક ફ્લાઈટ હાઈજેક થઈ છે.
આ ફલાઈટમાં 65 મુસાફરો છે. હાઈજેકર્સ આતંકવાદીઓ જેલોમાં બંધ પોતાના આતંકવાદી સાથીઓને છોડાવવાની માગ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી સાથે વાત કરવા માગતા હતા.

આ મેસેજ એરોડ્રામ કમિટીના અધ્યક્ષ શહેર પોલીસ કમિશનરને મળતા જ, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિક તત્કાલ એરપોર્ટ પહોંચ્યા. બીજી તરફ ફાયર વ્હીકલ રન-વે પર રાખીને ફ્લાઈટનો માર્ગ રોકવામાં આવ્યો. આ તરફ સી. આઈ. એસ. એફ.ના ક્વીક રિસ્પોન્સ ટીમના કમાન્ડોએ મોરચો સાંભળીને ચુપકીદીથી ફ્લાઇટને ચારે તરફથી ઘેરી લીધી. દરમિયાન એમ્બ્યુલન્સ પણ તૈયાર રાખવામાં આવી.

જો કે ભારત સરકારના પ્રતિનિધિ તરીકે અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક હાઈજેકર્સ સાથે ચાલાકીથી સતત નેગોશિયેટ કરતા રહ્યા. દરમિયાન કમાન્ડોએ પ્લેનની સાવ નજીક જઈને ઘેરાબંધી વધુ સજ્જડ કરી દીધી. આતંકીઓએ જીદ પર આવીને એક મુસાફરને ઈજા પહોંચાડીને ફ્લાઈટની બહાર ધકેલી દીધો. જોકે તેને તાત્કાલિક રેસ્ક્યુ કરી લેવાયો.

એકતરફ કમાન્ડોની ઘેરાબંધી, બીજીતરફ મક્કમતાથી નેગોશિએશન કરીને આતંકવાદીઓને આત્મસમર્પણ સિવાય કોઈ વિકલ્પ જ ન અપાયો. આખરે આતંકીઓએ આત્મસમર્પણ કરી દીધું. કમાન્ડોએ ત્રણેય આતંકીને તાત્કાલિક પકડીને વધુ કાર્યવાહી માટે પોલીસને સોંપવામાં આવ્યા હતા.

જોકે આખી કવાયત મોકડ્રીલ હોવાનું ખુલ્યું હતું. એરપોર્ટમાં આજે સલામતી વ્યવસ્થાની સમીક્ષા માટે એન્ટીહાઈજેકીંગ મોક એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કવાયત બાદ સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં એરપોર્ટની સલામતી વ્યવસ્થા અને આવી ઈમરજન્સીની સ્થિતિમાં વધુ અસરકારક કામગીરી કઈ રીતે કરી શકાય અંગે મંથન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એરોડ્રામ કમિટીની અર્ધવાર્ષિક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ડી.સી.પી. હેતલ પટેલ, એરપોર્ટ ડાયરેક્ટર દિગંત બોરાહ, એરપોર્ટના અન્ય અધિકારીઓ, સી.આઈ.એસ.એફ.ના જવાનો તેમજ કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *