શાપરમાં લુખ્ખાઓનો આતંક, સ્થાનિકોનો પોલીસ સ્ટેશનને ઘેરાવ

શાપર વેરાવળમાં કલ્પવન સોસાયટીમાં ભોલે પાનની દુકાને ફાકી લેવા બાબતે દુકાનના માલિકને ઝગડો થયા બાદ 5 અજાણ્યા શખ્સો એ હુમલો કરી દુકાનમાં તોડફોડ કરી હતી.…

શાપર વેરાવળમાં કલ્પવન સોસાયટીમાં ભોલે પાનની દુકાને ફાકી લેવા બાબતે દુકાનના માલિકને ઝગડો થયા બાદ 5 અજાણ્યા શખ્સો એ હુમલો કરી દુકાનમાં તોડફોડ કરી હતી. આ ઘટના બાદ લુખ્ખા તત્વોના ત્રાસથી કંટાળેલા સ્થાનિક લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી આક્રોશ ઠાલવ્યો હતો. જ્યાં સુધી આરોપીઓને પકડવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની રહીશોએ ચીમકી ઉચ્ચારી છે, આ મામલે પોલીસે હુમલાખોરોને સકંજામાં લીધા હતા, જોકે બન્ને વચ્ચે સમાધાન થઇ ગયાનું પોલીસે જણાવ્યું હતું.

રાજકોટ નજીક ઔદ્યોગિક વિસ્તાર ગણાતા શાપર વેરાવળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતા અસામાજિક તત્વોનો ઉત્પાત મચાવ્યો હોવાનું સામે આવ્યું છે. કોરાટ ચોક પાસે આવેલી કલ્પવન સોસાયટીમાં અસામાજિક તત્વોએ ખુલ્લેઆમ દાદાગીરી બતાવી છે. સોસાયટી પરિસરમાં આવેલી ભોલે પાન નામની દુકાને ફાકી ખાવા આવેલ પાંચ લુખ્ખા તત્વોએ દુકાનના માલિક રેનીશ માણસુરિયા સાથે માથાકૂટ કર્યા બાદ તેમની દુકાનને નિશાન બનાવી હતી. પાંચ શખ્સોએ પાનના ગલ્લામાં તોડફોડ મચાવી આતંક સર્જ્યો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારના સ્થાનિક વેપારીઓ અને રહીશોમાં ભારે ગભરાટ સાથે આક્રોશ ફેલાયો છે.

પાનની દુકાન પર સામાન્ય દિવસની જેમ ગ્રાહકોની અવરજવર ચાલુ હતી. તે સમયે અચાનક 5 જેટલા અસામાજિક તત્વો ત્યાં પહોંચી દુકાનમાં કાચ, કાઉન્ટર તેમજ માલસામાનને નુકસાન પહોંચાડી તોડફોડ કરી હતી. થોડી જ ક્ષણોમાં સમગ્ર દુકાનનો માલસામાન વેરવિખેર થઈ ગયો હતો. રેનીશ માણસુરિયાની દુકાનમાં આ પ્રકારે બેફામ તોડફોડની જાણ થતાં જ કલ્પવન સોસાયટીના રહીશોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. 112ને જાણ કરવામાં આવી હતી.

બીજી તરફ મોટી સંખ્યામાં સોસાયટીના લોકો એકઠા થઈ ગયા હતા અને શાપર વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. પોલીસ મથક બહાર લોકોના ટોળાં ઉમટી પડતાં વાતાવરણ તંગ બની ગયું હતું. સ્થાનિક રહીશોએ જ્યાં સુધી પાનની દુકાનમાં તોડફોડ કરનાર તમામ 5 શખ્સોની ધરપકડ નહીં થાય, ત્યાં સુધી તેઓ પોલીસ સ્ટેશન બહાર ધરણાં અને ઘેરાવ ચાલુ રાખશે. તેવી ચીમકી આપી છે, પોલીસે ભોલે પાનના માલિક રેનીશ માણસુરિયાનું નિવેદન લીધું હતું, અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે ફરાર 5 શખ્સોની ઓળખ મેળવી આ મામલે પાંચ શખ્સોને સકંજામાં લીધા હતા જોકે બન્ને પક્ષે સમાધાન થઇ જતા મામલો થાળે પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *