જૂનાગઢમાં રફતારનો આતંક: 4 મિનિટમાં 4 કિ.મી. થાર ભગાડીને ચાર લોકોને ઉડાડયા

જૂનાગઢ શહેરમાં ગઈકાલે રાત્રિના સમયે હિટ એન્ડ રનની એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક લક્ઝરી કારના બેકાબૂ ચાલકે રસ્તા પર ભારે આતંક મચાવ્યો…

જૂનાગઢ શહેરમાં ગઈકાલે રાત્રિના સમયે હિટ એન્ડ રનની એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક લક્ઝરી કારના બેકાબૂ ચાલકે રસ્તા પર ભારે આતંક મચાવ્યો હતો. પૂરપાટ ઝડપે દોડતી કારના ચાલકે અલગ-અલગ બે વિસ્તારોમાં અકસ્માત સર્જી રાહદારીઓ અને બાઈક સવાર પરિવારના જીવ જોખમમાં મૂક્યા હતા. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને કાળમુખી કારના ચાલક સિરાજ સલીમ શેખની રાતોરાત ધરપકડ કરી લીધી છે.

મળતી માહિતી મુજબ, આ ઘટનાની શરૂૂઆત ભવનાથ વિસ્તારમાં આવેલા સરકારી મેદાન પાસે થઈ હતી. જૂનાગઢ ખાતે પોતાના મિત્રો સાથે ફરવા આવેલા એક પરપ્રાંતીય રાહદારી યુવકને પાછળથી આવી રહેલી લક્ઝરી કારે જોરદાર ટક્કર મારી દીધી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનું આગળનું વ્હીલ આ યુવકના પગ પર ફરી વળ્યું હતું, જેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ માનવતા દાખવવાને બદલે કાર ચાલક સિરાજ શેખ વાહન રોક્યા વિના જ ત્યાંથી જૂનાગઢ શહેર તરફ નાસી છૂટ્યો હતો.

ભવનાથથી ભાગેલી આ કાર એટલાથી જ ન અટકી પરંતુ શહેર તરફ આગળ વધીને ગિરનાર દરવાજા અને મુખ્ય ચોક વચ્ચે આવેલા એક રહેણાંક વિસ્તાર પાસે તેણે બીજો મોટો અકસ્માત સર્જ્યો હતો. આ મોટરસાઇકલ પર પતિ-પત્ની અને તેમનું નાનું બાળક સવાર હતા. કારની ધડાકાભેર ટક્કર વાગવાના કારણે બાઈક પર સવાર ત્રણેય સભ્યો રોડ પર પટકાયા હતા અને માસૂમ બાળક સહિત આખા પરિવારને નાની-મોટી ગંભીર ઈજાઓ પહોંચી હતી.આ આતંકની ઘટનાને પગલે સમગ્ર જૂનાગઢ શહેરમાં ચકચાર મચી ગઈ હતી અને લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો.

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસ તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું.ડીવાયએસપી હિતેશ ધાંધલીયાએ જણાવ્યું હતું કે, “ગંભીર બેદરકારીપૂર્વક વાહન ચલાવીને નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકનાર કાર ચાલક સિરાજ સલીમ શેખ સામે કડક કાયદેસરની કાર્યવાહી શરૂૂ કરી દેવામાં આવી છે. પોલીસે રાત્રિના સમયે જ ઓપરેશન પાર પાડીને આરોપી ચાલકની ધરપકડ કરી લીધી છે.”આ હિટ એન્ડ રનની ઘટના સંદર્ભે ભવનાથ પોલીસ સ્ટેશન તેમજ શહેરના મુખ્ય એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વાહન અધિનિયમ (મોટર વ્હીકલ એક્ટ) અને ભારતીય ન્યાય સંહિતા (ઇગજ) ની ગંભીર કલમો હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ હાલ આ મામલે આગળની કાયદાકીય તપાસ ખૂબ જ તેજ ગતિએ ચલાવી રહી છે.

અકસ્માતમાં દંપતી સહિત ત્રણ ઘવાયા
આ જ જીપના ચાલકે ભવનાથથી 65 થી 70 કિમીની ઝડપે જીપ ચલાવી શહેરમાં કડીયાવાડ આર્ય શેરીમાં રહેતા 46 વર્ષીય જયદીપભાઇ પ્રમોદભાઈ બોડાના બાઈકને રાત્રે 10:28 વાગ્યે ફાયર સ્ટેશન પાસે ઠોકર મારી હતી, જેમાં જયદીપભાઇ, તેના પત્ની કાજલબેન, 10 વર્ષીય પુત્ર શ્ર્લોકને ઇજા થતા સારવારમાં ખસેડાયા હતા. અકસ્માતના 2 અને લાયસન્સનો 1 મળી 3 ગુના જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ સામે અને ગિરનાર દરવાજા પાસે ફાયર સ્ટેશન નજીક અકસ્માતનો અને ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવા સહિત 3 ગુના જીપ ચાલક સિરાજ સલીમ શેખ વિરુદ્ધ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *