મોચી બજારમાં મિલકત સીલ મુદ્દે ડખ્ખો, વેપારીઓમાં રોષ

સરકારી મિલકતો અને મોબાઇલ ટાવરનો વેરો પહેલા વસુલો, અતુલ રાજાણીની આગેવાનીમાં ડે.કમિશનરને રજૂઆત 20 દુકાનોની આકારણી કર્યા વગર અગાઉ વેરા બિલ બનાવી નાખેલ જેમાં સુધારો…

સરકારી મિલકતો અને મોબાઇલ ટાવરનો વેરો પહેલા વસુલો, અતુલ રાજાણીની આગેવાનીમાં ડે.કમિશનરને રજૂઆત

20 દુકાનોની આકારણી કર્યા વગર અગાઉ વેરા બિલ બનાવી નાખેલ જેમાં સુધારો કર્યા વગર નોટિસો ફટકારી હોવાના આક્ષેપ

મહાનગરપાલિકાના ચાલુ વર્ષના બજેટમાં વેરા વિભાગની સૌથી વધુ આવક અંદાજવામાં આવી છે. રૂપિયા 454 કરોડનો લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે વેરા વિભાગ દ્વારા આજથી સીલીંગ અને મિલકત જપ્તી સહિતની ઝૂંબેશ બાકી દારો વિરૂધ્ધ શરૂ કરવામાં આવી છે. તમામ વોર્ડમાં એક સાથે ઝૂંબેશ શરૂ કરાતા બાકીદારોમાં ફફડાટ વ્પાયી ગયો છે. તેમજ અમૂક સમજી વર્ગમાં ઝૂંબેશ સામે રોષ પણ જોવા મળી રહ્યો છે. જેમાં આજે મોચી બજારમાં 20થી વધુ દુકાનોની અગાઉ અકારણી કર્યા વગર બિલ બનાવી નાખેલ અને આ મુદ્દે વેપારીઓએ રજૂઆત પણ કરેલ છતાં પછી જોઇ લેશુ તેમ જણાવી આજ સુધી સુધારા વધારા ન કરી નોટિસ ફટકારી સીલીંગ કામગીરી શરૂ કરાતા તમામ વેપારીઓએ તેનો વિરૂધ્ધો કરી સરકારી મિલકતો અને મોબાઇલ ટાવરો સહિતનાનો કરોડોનો વેરો પહેલા ઉઘરાવો પછી મિલકત સીલ કરવા આવજો તેવુ જણાવી કોંગ્રેસ અગ્રણી અતુલ રાજાણીની આગેવાનીમાં ડે.કમિશનરને રજૂઆત કરી હતી.

મનપાના વેરા વિભાગ દ્વારા મિલકત વેરાનો લક્ષ્યાંક પૂર્ણ કરવા આજથી બાકીદારો વિરૂધ્ધ કડક ઝૂંબેશ શરૂ કરી છે. મ્યુનિ.કમિશનર દ્વારા 5000થી વધુ વેરો બાકી હોય તેવા રહેણાંકના એકમોને પણ નોટિસ ફટકારી નળ કનેકશન કાપવાની ચેતવણી આપી હતી. જેના લીધે વોર્ડ વાઇઝ ટીમ બનાવી આજથી રિકવરી ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. આમ તો દર વર્ષે જાન્યુઆરીથી માર્ચના અંત સુધી બાકીદારો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પરંતુ 25000 થી વધુ વેરો બાકી હોય તેવા કોર્મિશયલ અને રહેણાંકના એકમો વિરૂધ્ધ કાર્યવાહી થતી હોય છે. પણ આ વર્ષે રહેણાંકની મિલકતો સામે કડક પગલા લેવાય તે હેતુથી 5000ની મર્યાદા નક્કી કરવામાં આવી છે અને ગત સપ્તાહે તમામ બાકીદારોનુ લિસ્ટ મનપાની વેબસાઇટ પર મુકી બાકીદારોને સાવચેત કરાયા હતા અને આજથી સીલીંગ અને જપ્તી ઝૂંબેશ શરૂ કરાતા જ લાખાજીરાજ રોડ ઉપર વેપારી સાથે માથાકૂટ થયાનું જાણવા મળેલ છે.

મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા બાકીદારો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરાય છે. પરંતુ સરકારી મિલકતો સાથે સીલીંગ સહિતની કામગીરી થઇ શકતી નથી. પબ્લીક પ્રોપટી હોવાના કારણે ફકત નોટિસ આપી સંતોષ માનવામાં આવી રહ્યો છે. જેની સામે શહેરમાં આવેલ તમામ કંપનીના મોબાઇલ ટાવર પૈકી અનેક કંપીનીઓનો કરોડો રૂપિયાનો મિલકત વેરો આજે પણ બાકી છે. ભારાંક અને ચોરસ મીટર દીઠ ઘટાડા સહિતના મુદ્દે કંપનીઓ દ્વારા કોર્ટના દ્વારા ખખડાવવામાં આવ્યા છે. જેના લીધે મોબાઇલ ટાવર મુદ્દે સીલીંગ સહિતની કામગીરી થઇ શકતી નથી અને આ મુદ્દે આજે મોચી બજારના વેપારીઓએ ઉઠાવી તંત્રને સાણસામાં લેવાનો પ્રયાસ કર્યો છે. છતાં વેરા વિભાગે આજે અનેક મિલકતો સીલ કરી બાકીદારોને જપ્તીની નોટિસ ફટકારી હોવાનું જાણવા મળેલ છે.

જપ્ત થયેલ મિલકતની હરાજી ન થયાનો ઉઠાવાય છે લાભ
મહાનગરપાલિકા દ્વારા વર્ષોથી મિલકત વેરો ન ભરતા હોય તેવા આસામીઓની મિલકત સીલ કરી જપ્તીની નોટિસ આપી મિલકત જપ્ત કરવામાં આવી રહી છે. છેલ્લા અમૂક વર્ષોથી શહેરમાં અનેક મિલકતો જપ્ત કરેલ છે. પરંતુ તેની હરાજી થઇ શકતી નથી વેરા વિભાગે આ માટે કોશીશ પણ કરેલ છતાં હરાજીમાં લોકોએ રસ ન લેતા તેમજ હરાજી વખતે મિલકતના માલિક દ્વારા હરાજીમાં ભાગ લેનારને ધામ ધમકી આપ્યાના બનાવો બન્યા બાદ વેરા વિભાગે હરાજીની કામગીરી બંધ કરી દેતા અમૂક ચોક્કસ બાકીદારો તેનો ગેરલાભ લઇ રહ્યાનું વેરા વિભાગના જ અમૂક કર્મચારીઓ જણાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *