સેમિફાઇનલમાં પ્રવેશ માટે ટીમ ઇન્ડિયાએ આજે ઝિમ્બાબ્વેને મોટા માર્જિનથી હરાવવું જરૂરી

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ભારતમાં ક્યારેય કોઈ ટી-20 મેચ નથી રમાઈ, પણ અહીં આજે (સાંજે 7.00 વાગ્યાથી) પહેલી વખત રમાશે અને એ પણ વર્લ્ડ કપમાં…

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ભારતમાં ક્યારેય કોઈ ટી-20 મેચ નથી રમાઈ, પણ અહીં આજે (સાંજે 7.00 વાગ્યાથી) પહેલી વખત રમાશે અને એ પણ વર્લ્ડ કપમાં એટલે આ મેચ બન્ને માટે અત્યંત મહત્ત્વની છે. સુપર-એઇટના ગ્રૂપ-1માંથી સેમિ ફાઇનલમાં જવા બન્ને દેશે ગુરુવારે મોટા માર્જિનથી જીતવું અનિવાર્ય છે.
ઝિમ્બાબ્વેની કોઈ ટીમ ભારતમાં કોઈ મેચ રમી હોય એવું છેલ્લે 2002માં (24 વર્ષ પૂર્વે) બન્યું હતું. સૌરવ ગાંગુલી ત્યારે કેપ્ટન હતો અને યુવરાજ અને કૈફની કરીઅરની ત્યારે હજી શરૂૂઆત હતી. ત્યારે ઝિમ્બાબ્વેની ટીમમાં ઍન્ડી ફ્લાવર, ગ્રાન્ટ ફ્લાવર, હીથ સ્ટ્રીક, ટાટેન્ડા તૈબુ વગેરે જાણીતા ખેલાડીઓ હતા. ભારતે એ વન-ડે 101 રનથી જીતી લીધી હતી.

ભારતે ગુરુવારની મેચમાં ટીમમાં ધરખમ ફેરફારો કરીને રમવું પડશે. આ ટૂર્નામેન્ટમાં સતત ફ્લોપ જતા ખેલાડી (દા.ત. અભિષેક)ના સ્થાને બીજા કોઈને તક આપવી પડશે. ભારતને ટોપ-ઑર્ડરની નિષ્ફળતા પણ સતાવી રહી છે. ઑસ્ટ્રેલિયા અને શ્રીલંકાને હરાવીને સુપર-એઇટમાં પહોંચેલા ઝિમ્બાબ્વે પાસે કેપ્ટન સિકંદર રઝા ઉપરાંત બ્રાયન બેનેટ, મારુમની, ડિયોન માયર્સ, રાયન બર્લ તેમ જ બોલર્સમાં મુઝરબાની, ક્રીમર, માસાકાદ્ઝા, બ્રાડ ઇવાન્સનો સમાવેશ છે.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બેટિંગ કોચ સિતાંશુ કોટકે લેફ્ટ-રાઈટ ઓપનિંગ કોમ્બિનેશન અંગે મહત્વપૂર્ણ સંકેત આપ્યો હતો. તેમણે જણાવ્યું કે ટીમ શરૂૂઆતમાં મજબૂત પ્રારંભ ઇચ્છે છે અને તે માટે લેફટી-રાઈટી જોડીને પ્રાથમિકતા આપવામાં આવી શકે છે. હાલ ઓપનિંગમાં ઈશાન કિશન અને અભિષેક શર્મા બંને ડાબા હાથના બેટ્સમેન છે. આ પરિસ્થિતિમાં પ્રશ્ન ઉભો થાય છે કે શું ઓપનિંગ જોડીમાં ફેરફાર થશે? અભિષેક શર્મા નેટ પ્રેક્ટિસમાં ખુબ મહેનત કરતો જોવા મળ્યો છે અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પણ તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. બીજી તરફ ઈશાન કિશન સારા ફોર્મમાં છે, જેથી તેને બહાર કરવો સરળ નિર્ણય નહીં હોય.

લેફ્ટ-રાઈટ કોમ્બિનેશન બનાવવા માટે સંજુ સેમસનને ઓપનિંગમાં તક મળી શકે છે. એવી સંભાવના છે કે સેમસન અને અભિષેક નવી ઓપનિંગ જોડી તરીકે મેદાનમાં ઉતરે, જ્યારે ઈશાનને ત્રીજા ક્રમે રમાડવામાં આવે. રિંકુ સિંહ વ્યક્તિગત કારણોસર ટીમથી થોડા સમય માટે દૂર રહ્યો હોવાથી મધ્યક્રમમાં પણ ફેરફાર શક્ય છે. બોલિંગ વિભાગમાં પણ એક ફેરફાર જોવા મળી શકે છે. વોશિંગ્ટન સુંદરની જગ્યાએ અક્ષર પટેલને તક આપવામાં આવી શકે છે. ટીમ મેનેજમેન્ટ નંબર 8 પર એક જ ઓલરાઉન્ડર રાખવા માગે છે, જેના કારણે આ બદલાવ સંભવિત માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *