શહેરમાં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી કોલેજિયન યુવતીની પજવણી કરી હેરાનગતિ કરતાં પૂર્વ પ્રેમિને 181 અભયમ ટીમ દ્વારા કાયદાનો પાઠ ભણાવી યોગ્ય સમજ આપતાં પૂર્વ પ્રેમિએ યુવતીની માફી માંગી હતી.
ગ્રામ્ય વિસ્તારમાં રહેતી 21 વર્ષિય યુવતી છેલ્લા ચારેક વર્ષથી રાજકોટમાં રહી અભ્યાસ કરતી હતી. બે વર્ષ પહેલા સોશ્યલ મીડિયા મારફત યુવક સાથે મિત્રતા થતાં બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. બે વર્ષ સુધી રીલેશન રાખ્યા બાદ યુવક તેના ઉપર શંકા કરતો હોય જેથી યુવતીએ રિલેશનશીપ તોડી નાખી હતી.
જેના કારણે ઉશ્કેરાયેલા પૂર્વ પ્રેમીએ યુવતીના બન્નેના પર્સનલ ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપતો હોય અને યુવતીનું બોગસ આઈડી બનાવી તેનો દુઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત યુવતી જે હોસ્ટેલમાં રહેતી હતી ત્યાં આજુબાજુ અવારનવાર ચક્કર મારવાનું શરૂ કર્યુ હતું અને યુવતીને સંબંધ રાખવા માટે માનસિક ત્રાસ આપતો હોય જેથી કંટાળી જઈ યુવતીએ 181 હેલ્પલાઈનમાં કોલ કરી મદદ માંગતા અભયમ ટીમના કાઉન્સેલર તૃપ્તી પટેલ, મહિલા કોન્સ્ટેબલ શિલ્પાબેન અને પાયલોટ શ્યામભાઈ તાત્કાલીક દોડી ગયા હતાં.
181 ટીમે યુવકને બોલાવી કડક શબ્દોમાં ચેતવણી આપી કાયદાનું ભાન કરાવ્યું હતું અને યુવકના ફોનમાં રહેલા યુવતીના ફોટા ડીલીટ કરાવી યુવતીનું બોગસ આઈ.ડી.પણ રિમુવ કરાવ્યું હતું. બાદમાં યુવકે યુવતીની માફી માંગી હવે પછી હેરાનગતિ નહીં કરે તેવી ખાતરી આપી હતી. આમ 181 અભયમ ટીમની કામગીરીથી યુવતીએ અભયમ ટીમનો આભાર વ્યકત કર્યો હતો.
