દુષ્કર્મ પીડિત વિદ્યાર્થિની હોસ્ટાઇલ થઇ છતાં મેડિકલ પુરાવાના આધારે શિક્ષકને પાંચ વર્ષની કેદ

કાગડાપીઠ વિસ્તારમાં ટ્યૂશન માટે આવતી 15 વર્ષની ધોરણ-10ની સગીરાને શારીરિક અડપલાં કરી, તેના ગુપ્ત ભાગે બચકાં ભરી ગંભીર અત્યાચાર ગુજારવાના ચકચારી કેસમાં અમદાવાદ શહેરની સ્પેશિયલ…

કાગડાપીઠ વિસ્તારમાં ટ્યૂશન માટે આવતી 15 વર્ષની ધોરણ-10ની સગીરાને શારીરિક અડપલાં કરી, તેના ગુપ્ત ભાગે બચકાં ભરી ગંભીર અત્યાચાર ગુજારવાના ચકચારી કેસમાં અમદાવાદ શહેરની સ્પેશિયલ પોક્સો અદાલતે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.

સ્પેશિયલ જજ હીના નિહાર દેસાઈએ આરોપી શિક્ષકને કસૂરવાર ઠેરવી 5 વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકાર્યો છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં નોંધ્યું હતું કે, પવિત્ર વ્યવસાયને કલંકિત કરનારા આવા નરાધમો પ્રત્યે જો નરમ વલણ અપનાવવામાં આવે, તો સમાજમાં તેની અત્યંત વિપરીત અને ઘાતક અસર પડી શકે છે.
શહેરના બહેરામપુરા વિસ્તારમાં રહેતો આરોપી શિક્ષક કમલેશ ભૂપતભાઈ ચારણ પોતાના ઘરે જ ‘સરસ્વતી ટ્યૂશન ક્લાસીસ’ ચલાવતો હતો. ભોગ બનનાર 15 વર્ષીય સગીરા તેની પાસે ધોરણ-10નો અભ્યાસ કરવા જતી હતી. ડિસેમ્બર 2024થી જાન્યુઆરી 2025 દરમિયાન, સૌરાષ્ટ્રના પ્રવાસ વખતે તેમજ ટ્યૂશન ક્લાસ પૂરા થયા બાદ આરોપી નરાધમ શિક્ષક સગીરાને વધારાના સમય માટે રોકી રાખતો હતો અને તેની મરજી વિરુદ્ધ શારીરિક અડપલાં કરતો હતો.

સગીરા પર ગુપ્ત ભાગે બચકાં ભરી ગંભીર શારીરિક અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. આ અંગે કાગડાપીઠ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે નરાધમ શિક્ષકની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.
આ કેસની સુનાવણી દરમિયાન એક તબક્કે ચોંકાવનારો વળાંક આવ્યો હતો, જ્યારે ભોગ બનનાર સગીરા અને તેની માતા કોર્ટમાં સોગંદ પરની જુબાની વખતે પોતાની મૂળ ફરિયાદથી ફરી ગયા હતા અને કોર્ટે તેમને ‘હોસ્ટાઇલ’ (દ્રોહી) જાહેર કર્યા હતા.

સગીરાએ કોર્ટમાં આરોપીનો બચાવ કરતા એવું નિવેદન આપ્યું હતું કે, ‘આરોપીએ મારી સાથે કોઈ દુષ્કૃત્ય કર્યું નથી અને મારી માતાએ ગેરસમજથી ફરિયાદ કરી હતી.’
કોર્ટે બચાવ પક્ષની આ દલીલોને સદંતર ફગાવી દીધી હતી. કોર્ટે નોંધ્યું કે સગીરાએ અગાઉ મેજિસ્ટ્રેટ સમક્ષ આપેલા નિવેદનમાં તેની સાથે થયેલા તમામ અત્યાચારની કથની સ્પષ્ટપણે સ્વીકારી હતી. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલના ડોક્ટરની જુબાની અને મેડિકલ સર્ટિફિકેટ જેવા મજબૂત વૈજ્ઞાનિક પુરાવાઓને સર્વોપરી ગણીને અદાલતે આરોપી કમલેશ ચારણને ગુનેગાર ઠેરવી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *