ઉપલેટાના પાટણવાવમાં બનેલી ઘટનાથી ખળભળાટ, શિક્ષક દેવાણંદ બેરાની ધરપકડ બાદ સસ્પેન્ડ
પાટણવાવમાં સમાજને ચોંકાવી દેનારી અને માનવતાને શર્મસાર કરનારી એક ઘટના સામે આવી છે. પાટણવાવ વિસ્તારમાં આવેલી બાલવાટિકામાં અભ્યાસ કરતી અત્યંત નાની માસૂમ પાંચ જેટલી બાળકીઓ સાથે શાળાના નરાધમ શિક્ષકે શારીરિક અડપલાં કાર્યનો બનાવ સામે આવ્યો છે. માસુમ બાળકીઓ સાથે જાતીય સતામણી કરવાના ગંભીર ગુનામાં સંડોવાયેલા નરાધમ શિક્ષક સામે અંતે પોલીસ ફરીયાદ નોંધાયા બાદ પાટણવાવ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડીને કાયદાનું ભાન કરાવ્યું છે. આ કુર્ત્ય કરનાર શિક્ષકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
વિદ્યાના ધામમાં માસૂમ દીકરીઓ પર નજર બગાડનાર આ શરમજનક કૃત્ય આચરનાર નરાધમ શિક્ષક ઉપલેટાનો દેવાણંદભાઇ ગોવાભાઇ બેરા સામે પોલીસે પોક્સો એક્ટ હેઠળ ની અત્યંત કડક કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તજવીજ હાથ ધરી છે. શિક્ષકા તરીકેની ગરિમાના દેવાણંદે લીરેલીરા કરી નાખતા નાના એવા ગામમાં તેના પર ફીટકાર વરસી રહ્યો છે.
ઉપલેટા તાલુકાના કુંઢેચની પ્રાથમિક શાળા ખાતે શિક્ષક દેવાણંદ ગોવિંદભાઈ બેરા બાળવાટિકામાં ભણતી નિર્દોષ અને માસૂમ બાળકીઓ સાથે શારિરીક અડપલાં કરતો હોવાની, અયોગ્ય જગ્યાએ સ્પર્શ કરતો હોવાની અને અભદ્ર રીતે હાથ પકડતો હોવાની બાળકીઓએ વાલીઓને ફરિયાદ કરતાં વાલીઓ આકરા પાણીએ થયાં હતાં અને એક બાળકીની ફરિયાદમાં સત્ય જણાતાં તેના વાલીએ 55 વર્ષના શિક્ષક દેવાણંદ બેરા સામે ફરિયાદ નોંધાવતાં પાટણવાવ પોલીસે નરાધમ સામે બળાત્કાર સંબંધી ગંભીર ગુનો તેમજ પોક્સો એક્ટની કલમ 6, 8, 10 અને 18 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. બાલવાટિકા જેવા પવિત્ર શૈક્ષણિક સ્થાને માસૂમ બાળકીઓ સાથે થયેલા આ અત્યાચારને પગલે સમગ્ર પંથકના વાલીઓ અને સ્થાનીક નાગરિકોમાં ભારે રોષ અને આક્રોશ ફાટી નીકળ્યો હતો.
આ સંવેદનશીલ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય તથા જિલ્લા પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર ની સુચનાથી આવા ગંભીર પ્રકારના ગુનાના આરોપીઓને તાત્કાલિક અસરથી પકડી પાડવા આવ્યો હતો. આ મામલે પીડિતોને ન્યાય અપાવવા માટે કડક આદેશો આપવામાં આવ્યા હતા. વરિષ્ઠ અધિકારીઓની આ સૂચના અને માર્ગદર્શન હેઠળ ધોરાજી ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક સિમરન ભારદ્વાજના સીધા સુપરવિઝન હેઠળ પાટણવાવ પોલીસ સ્ટેશનની ટીમે ત્વરિત તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો હતો.
આરોપી શિક્ષક ગુનો આચરીને નાસી છૂટવાની ફિરાકમાં હતો, પરંતુ પાટણવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વાય.એમ. ગોહીલ તથા તેમની ટીમે આધુનિક ટેકનિકલ સર્વેલન્સનો સંયુક્ત અને સચોટ ઉપયોગ કર્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી દેવાણંદભાઇ ગોવાભાઇ બેરાને ઝડપી પાડ્યો હતો. બીજી તરફ આ કુર્ત્ય કરનાર શિક્ષકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
ભોગ બનનાર બાળકીઓનું કાઉન્સિલિંગ કરી પુરાવાઓ એકત્રિત કરવા FSLની મદદ લેવાઈ
પોલીસે આ કેસમાં ભોગ બનનાર પીડિત બાળકીઓને વધુ માનસિક આઘાત ન પહોંચે તે માટે અત્યંત સંવેદનશીલ અભિગમ અપનાવ્યો હતો. તમામ ભોગ બનનાર બાળકીઓનું જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મારફતે યોગ્ય કાઉન્સિલિંગ કરાવવામાં આવ્યું હતું, જેથી તેઓ આ ભયમાંથી બહાર આવી શકે. ત્યારબાદ કાયદાકીય પ્રક્રિયાને વધુ અભેદ્ય અને મજબૂત કરવા માટે ભોગ બનનાર બાળકીઓના ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ની કલમ 183 મુજબ મેજિસ્ટ્રેટ સમક્ષ સત્તાવાર નિવેદનો લેવડાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ગુનાના સ્થળેથી સચોટ પુરાવાઓ એકત્રિત કરવા માટે એફ.એસ.એલ. અધિકારીઓની મદદ લઈને વૈજ્ઞાનિક તપાસ હાથ ધરવામાં આવી છે, જેથી ન્યાયાલયમાં આરોપી વિરુદ્ધ પરિણામલક્ષી પુરાવા રજૂ કરી સખત સજા અપાવી શકાય.
