હદય રોગના હુમલાનો ખતરો દીનપ્રતિદિન વધી રહ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે વધુ એક બનાવમાં ગુરુજીનગર આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા શિક્ષિકાનું હૃદય રોગના હુમલાથી મોત નીપજ્યું છે. પ્રોઢાના મોતથી પુત્રીએ પિતા બાદ માતાનું છત્ર પણ ગુમાવતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ સાધુ વાસવાણી રોડ ઉપર આવેલ ગુરુજીનગર આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા યોગીનીબેન હિમાંશુભાઈ ભટ્ટ નામના 53 વર્ષના પ્રોઢા બપોરના અઢી વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા. ત્યારે બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. પ્રોઢાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી પ્રોઢાનું હદયરોગના હુમલાથી મોત નીપજયુ હોવાનું જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક યોગીનીબેન ભટ્ટના પતિનું 10 વર્ષ પહેલાં અવસાન થયું છે. જ્યારે તેમને સંતાનમાં એક પુત્રી છે યોગીનીબેન ભટ્ટ ઉન્નતિ સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. યોગીનીબેન ભટ્ટનું હૃદય રોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.