જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ગ્રામ્ય પંથકમાં બેફામ દોડતા ભારે વાહનો વધુ એક નિર્દોષનો ભોગ લીધો છે. પિયાવા ગામ નજીક ગઈકાલે મોડી રાત્રે ચાની હોટેલ ચલાવી ઘરે પરત ફરી રહેલા 22 વર્ષીય આશાસ્પદ યુવક રવિ ભોજવિયાને પૂરપાટ ઝડપે આવતા દૂધના ટેન્કરે જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા રવિનું સારવાર દરમિયાન મોત નીપજતા ભોજવિયા પરિવાર પર આભ ફાટ્યું છે.
મૃતક રવિ ભોજવિયા પિયાવા ગામનો વતની હતો અને ગામ નજીક હાઈવે પર ચાની હોટલ ચલાવી પરિવારને આર્થિક રીતે મદદરૂૂપ થતો હતો. ગત રાત્રે હોટેલનું કામકાજ પતાવી તે મોટરસાયકલ પર ઘરે જઈ રહ્યો હતો, ત્યારે ગફલતભરી રીતે દોડતા દૂધના ટેન્કરના ચાલકે તેને અડફેટે લીધો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે રવિ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર ફંગોળાયો હતો. નજીકની હોટલના સંચાલકોએ અકસ્માત જોતા જ તુરંત તેના પરિવારને જાણ કરી હતી.
મૃતક રવિના ભાઈ સંજય ભોજવિયાએ જણાવ્યું કે, હું રાત્રે ઘરે ભોજન લઈ રહ્યો હતો, ત્યારે દિલાવરભાઈ નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો કે તારા ભાઈનું એક્સિડન્ટ થયું છે. આ વાત સાંભળતા જ હું અને તેમના પિતા હરસુખભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યાં જઈને તેમણે જોયું તો ટેન્કર પર તાજા લોહીના ડાઘા હતા અને મારો ભાઈ લોહીલોહાણ હાલતમાં પડ્યો હતો. અમે 108ને બોલાવી રવિને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ કમનસીબે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
