ટોળાએ બેફામ ધોલાઈ કરી, વીડિયો વાયરલ થયો છતાં સ્થાનિક પોલીસ અંધારામાં, એસ.પી.નો તપાસનો આદેશ
જસદણ પંથકના જીવાપર ગામે પ્રેમી પંખીડાઓને કેટલાક લોકોએ જાહેરમાં બેફામ ફટકારી તાલિબાની સજા આપ્યાની ઘટના બની છે. આ ઘટનાનો વિડિયો વાઈરલ થતાં ભારે ખળભળાટ મચી ગયો છે. જો કે, પોલીસ આ ઘટના અંગે અજાણ હોવાનું જણાવી રહી છે.
મળતી માહિતી મુજબ જસદણનાં જીવાપર ગામની સીમમાં મહિલા-પુરૂષોનું ટોળુ એક પુરૂષ તથા એક મહિલાને બેફામ ફટકારતાં નજરે પડી રહ્યાં છે. પુરૂષ અને મહિલા બન્ને બચવા ચીસો પાડી રહ્યાં છે. પરંતુ કોઈ મદદે આવી રહ્યું નથી. જાણકાર સુત્રોના કહેવા મુજબ આ મામલે એક કારખાનેદાર અને તેના ખેતરમાં કામ કરતાં ભાગીદારની પત્ની વચ્ચેનો છે. સ્થાનિક પોલીસને પુછતા તેમને કોઈ જાણ નહીં હોવાનો જવાબ મળ્યો હતો જ્યારે રૂરલ એસ.પી.વિજયસિંહ ગુજ્જરને પુછતા તેમણે જણાવ્યું હતું કે, ઘટનાનો વધીડિયો મારા ધ્યાને આવ્યો છે. માર ખાનાર વ્યક્તિ એક કારખાનાનો માલિક છે અને મહિલા શ્રમિકની પત્ની છે. બન્ને વચ્ચે આડા સંબંધના કારણે ઘટના બન્યાનું પ્રાથમિક રીતે બહાર આવ્યું છે. આ ઘટનામાં એ.એસ.પી.ને તપાસ સોંપાઈ છે.
