મહાનગરપાલિકાની વાર્ષિક ડાયરીમાં અગ્નિકાંડ ઘટનામાં સસ્પેન્ડ થયેલા અધિકારીઓના નામ છપાતા કોંગ્રેસે તેનો વિરોધ કરી 28 લાખના ખર્ચે બનાવેલ ડાયરીમાં ભ્રષ્ટાચારીઓને સ્થાન આપનાર અધિકારીઓ સામે પગલા લઈ સંડોવણી પુરવાર થાય તો આ અધિકારીના પગારમાંથી ડાયરીનો ખર્ચ વસુલ કરવાની માંગ સાથે રજૂઆત કરી હતી.
ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025-26 ની જે 5,700 ડાયરી ₹28 લાખના ખર્ચે બનાવેલ છે. તે ડાયરીમાં હાલ જેલમાં રહેલા સસ્પેન્ડ અધિકારી એમ.ડી સાગઠીયા ફાયર ઓફિસર આઈ.વી ખેર અને ડેપ્યુટીફાયર ઓફિસર ઠેબાને ડાયરીમાં સ્થાન મળતા આશ્ચર્ય થયું છે કારણ કે હાલ આ ત્રણેય ભ્રષ્ટાચારીઓ જેલવાસ ભોગવી રહ્યા છે. જેને હજુ સુધી કોર્ટે જામીન પણ મંજૂર કરવામાં આવ્યા નથી. અને તેમ છતાં તેઓના ડાયરીમાં નામ હોય ત્યારે શાસકો સાથેની મિલીભગત ખુલ્લી પડી છે. જીએડી શાખાના મેનેજર જવાબદારી ફિક્સ થાય છે અને તેઓએ દરેક શાખાધિકારી પાસેથી કર્મચારી અધિકારીઓની માહિતી લઈ અને સંકલન કરી નામો આપવાના થતા હોય છે. ત્યારે ફાયર અને ટી.પી શાખા દ્વારા જે ઉપરોક્ત ભ્રષ્ટાચારીઓના નામો મોકલ્યા છે તેની ચકાસણી કર્યા વગર ડાયરીમાં સ્થાન આપવામાં આવ્યું છે.
મહાનગરપાલિકા દ્વારા પ્રજાના પૈસાનો આંધણ કરીને કરકસર યુક્ત વહીવટ કરવાના બદલે આ પ્રકારના કરતુતો કરી ભોપાળાં બહાર આવે ત્યારે જવાબદાર અધિકારીની જવાબદારી ફિક્સ કરી ભૂલ બદલ સજા પણ મળવી જોઈએ. વિષય દર્શિત બાબતે વર્ષ 2025-26 ની ડાયરીમાં ભ્રષ્ટાચારીઓને સ્થાન આપનાર અધિકારી સામે દાખલા રૂૂપ સજા થવી જોઈએ. તપાસ દરમિયાન ટીપી શાખા, ફાયર શાખા, જીએડી શાખા કે અન્ય શાખા અધિકારીની ભ્રષ્ટાચારીઓને ડાયરીમાં સ્થાન આપવા અંગે સંડોવણી પુરવાર થાય તો તેના પગારમાંથી ડાયરી નો ખર્ચ કે જે 28 લાખ થાય છે તે વસૂલ કરવા મારી માંગ છે.
