ચૈત્રી નવરાત્રિ દરમિયાન જપ, તપ સહિતના કાર્યક્રમો યોજાશે: વિવિધ વિસ્તારોમાં હિંડોળા ઉત્સવ
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ચૈત્ર સુદ 1 થી ચૈત્ર સુદ 9, તારીખ 19 થી 27 માર્ચ 2026 દરમ્યાન નવદિનાત્મક દિવ્યતા અને ભવ્યતા સભર અનેકવિધ ભક્તિશીલ કાર્યકમોથી યુક્ત બ્રહ્મ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી અને મહંત સ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામીના આશીર્વાદ તેમજ સર્વે સંતો હરિભક્તોની હૃદયની ભાવભક્તિથી સાધના, આરાધના અને ઉપાસના સભર બ્રહ્મ મહોત્સવ અંતર્ગત ગુરુકુલમાં પંચદિનાત્મક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. તારીખ 23 થી 27 માર્ચ દરમિયાન કલાત્મક હિંડોળા દર્શન, સવારે 6:30 કલાકે રાજોપચાર પૂજન તેમજ ઘનશ્યામ મહારાજ સમક્ષ ગીત સંગીત સાથે સર્વ મંગલ સ્તોત્ર દ્વારા તુલસી અને પુષ્પ પાખડી દ્વારા પૂજન થશે.
સાંજે 6:30 કલાકે મહા નિરાજન આરતી કરવામાં આવશે અને 7:15 કલાકે ઘનશ્યામ લાલાનું પૂજન, અર્ચન, થાળ અને આરતી થશે. બ્રહ્મ મહોત્સવ અંતર્ગત હજારો ભક્તો વિવિધ તપના નિયમો લેશે. જેમાં નવ દિવસ ફક્ત પ્રવાહી ઉપવાસ ( નીલકંઠ વ્રત ), નવ દિવસ નિત્ય 3 ગ્રાસ- કોળીયા (હરીચંદ્રાયણ વ્રત), નવ દિવસ ફલાહાર (વર્ણી વ્રત ), નવ દિવસ એક ટાઈમ ભોજન (સહજ વ્રત ) કરશે. નવ દિવસ હજારો ઘરે શ્રી ઘનશ્યામ મહારાજને પારણીયામાં ઝુલાવશે અને આરતી, કીર્તન ગાન, થાળ વગેરે થશે. જપ અનુષ્ઠાન અંતર્ગત દરેક ભક્તો વ્યક્તિગત નિત્ય 2500 ઉપરાંત જપ કરી નવ દિવસમાં 25000 જપ નું અનુષ્ઠાન કરશે.
નવ દિવસના બ્રહ્મ મહોત્સવ દરમિયાન રાજકોટના વિવિધ વિસ્તારમાં ભવ્ય અને દિવ્ય હિંડોળા ઉત્સવનો કાર્યક્રમ રાત્રે 8:30 થી 11 વાગ્યા સુધી રાખવામાં આવેલો છે. રામનવમી અને સ્વામિનારાયણ જયંતિ, તારીખ 27 માર્ચ- શુક્રવારના દિવસે રાત્રે 8:30 વાગ્યે સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ ખાતે મુખ્ય પ્રાગટ્યોત્સવ ની ઉજવણી કરવામાં આવશે. જેમાં ગુરુકુલની વિવિધ શાખા સંસ્થાના સંતો અને હરિભક્તો ઉપસ્થિત રહેશે, મુખ્ય ઉત્સવનું લાઈવ પ્રસારણ યુ ટ્યુબ અને વિવિધ ટીવી ચેનલમાં થશે. બ્રહ્મ મહોત્સવનો લાભ લેવા માટે જ્ઞાનજીવનદાસ સ્વામી, હરીપ્રિય સ્વામી, પૂર્ણપ્રકાશ સ્વામી વગેરે સંતોએ અનુરોધ કર્યો છે.
કાર્યક્રમોની રૂપરેખા
19 માર્ચ- ગુરુવાર, બાપા સીતારામ ચોક, મવડી.
20 માર્ચ- શુક્રવાર, નિત્યમ વિલાચોક,80 ફૂટ રોડ,યુકે.
21 માર્ચ-શનિવાર, અમરનાથ મહાદેવ મંદિર, કાલાવાડ રોડ.
22 માર્ચ- રવિવાર, ગોકુલધામ ગાર્ડન,કૃષ્ણનગર.
23 માર્ચ- સોમવાર, ઝેન ગાર્ડન,ન્યુ મવડી.
24 માર્ચ -મંગળવાર, રામેશ્વરવાડી, કોઠારીયા.
25 માર્ચ- બિલેશ્વર મહાદેવ મંદિર, ન્યુ કોઠારીયા.
26 માર્ચ- ગુરુવાર, એસ કે પી સ્કૂલ પાસે,નાના મવા. ખાતે સ્વામિનારાયણ ભગવાનના 245માં પ્રાગટ્ય જન્મોત્સવની ઉજવણી હિંડોળા ઉત્સવ દ્વારા કરવામાં આવશે.
