કોઠારિયા સોલવન્ટમાં રસ્તામાંથી રેતી-કાકરી હટાવવાનું કહેતા યુવાન ઉપર હુમલો
શહેરમાં રેલનગર વિસ્તારમાં રહેતી પરિણીતા નોકરી પરથી મોડી આવતાં પતિ અને સાસુ સસરાએ શંકા કરી ઢીકા પાટુનો માર માર્યો હતો. પરિણીતાને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રેલનગરમાં રહેતી રિનાબેન સાગરભાઈ ગોહેલ નામની 33 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે પતિ સાગર, સાસુ પ્રભાબેન અને સસરા ભાવસિંગે ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો.
પરિણીતાને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. પ્રાથમિક પુછપરછમાં રિનાબેનના સાગરભાઈ સાથે પ્રેમ લગ્ન છે અને રિનાબેન કપડાની દુકાનમાં નોકરી પર જાય છે. નોકરી પરથી મોડી આવતાં પતિ અને સાસુ સસરાએ શંકા કરી માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત બીજા બનાવમાં કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં શિતળાધાર પચ્ચીસવારીયામાં રહેતાં ભરત પોપટભાઈ પરમાર (ઉ.21)એ ઘર પાસે શેરીમાં રહેતાં શ્રમિક પરિવારને રસ્તામાં પડેલી તેમની રેતી અને કાકરી હટાવવાનું કહ્યું હતું. જેનો ખાર રાખી ભરતભાઈ પરમાર ઉપર 8 થી 10 શખ્સોએ પાઈપ વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ સાથે યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
