જૂનાગઢમાં માનસિક અસ્થિર મહિલાનું શંકાસ્પદ મોત, જંગલી પ્રાણીએ ફાડી ખાધી!

  જુનાગઢના માંગરોળ પંથકમાં સિંહ અને અન્ય હિંસક વન્ય જીવોના આટાફેરા અવારનવાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે, જેના કારણે સ્થાનિક સ્તરે હંમેશા ચિંતાનો માહોલ…

 

જુનાગઢના માંગરોળ પંથકમાં સિંહ અને અન્ય હિંસક વન્ય જીવોના આટાફેરા અવારનવાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે, જેના કારણે સ્થાનિક સ્તરે હંમેશા ચિંતાનો માહોલ જોવા મળે છે. ગત રાત્રિના સમયે માંગરોળ ગ્રામ્ય વિસ્તારની બહાર એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. ગામની બહાર વસવાટ કરતી એક માનસિક રીતે બીમાર મહિલાને કોઈ જંગલી પ્રાણીએ ફાડી ખાધી હોવાની ઘટના સામે આવતા જ સમગ્ર પંથકના ગ્રામજનોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ વ્યાપી ગયો છે. આ ઘટનાની ગંભીરતાને જોતા સમગ્ર પંથકના લોકોમાં ભારે ચર્ચા જાગી છે.

સ્થાનિક લોકોમાં એવી પ્રબળ આશંકા અને ચર્ચાઓ ચાલી રહી છે કે આ વિસ્તારમાં અવારનવાર દેખાતા સિંહ દ્વારા જ માનસિક બીમાર મહિલા પર હુમલો કરવામાં આવ્યો છે અને સિંહે જ આ મહિલાનો શિકાર કર્યો હોઈ શકે છે. જો કે, વન વિભાગ આ મામલે હાલ તુરંત કોઈ સત્તાવાર પુષ્ટિ કરવા તૈયાર નથી.

વન વિભાગના જણાવ્યા અનુસાર આ સમગ્ર મામલાનું સાચું કારણ અને તથ્યો મૃતક મહિલાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થઈ શકશે. આ ઘટના અંગેની પ્રાથમિક જાણ થતા જ માંગરોળ તાલુકાના શેરીયાજ ગામના જિલ્લા પંચાયત સભ્ય જેઠાભાઈ ચુડાસમાએ સક્રિયતા દાખવીને તાત્કાલિક ધોરણે સ્થાનિક પોલીસ અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓને આ અંગે માહિતગાર કર્યા હતા. જેઠાભાઈ ચુડાસમાની સૂચના મળતાની સાથે જ વન વિભાગની રેન્જ ટીમ અને પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો સંભાળીને આગળની તપાસની તજવીજ હાથ ધરી હતી. વન વિભાગ અને પોલીસની સંયુક્ત ટીમોએ વહેલી સવારથી જ ઘટનાસ્થળની આસપાસના વિસ્તારોમાં ઝીણવટભરી તપાસ શરૂૂ કરી દીધી છે.

આ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી સિંહ અને દીપડાની વધતી જતી મૂવમેન્ટ અને અચાનક બનેલી આ ઘટનાને કારણે સ્થાનિક ખેડૂતો અને રાત્રિના સમયે વાડી-ખેતરોમાં જતા શ્રમિકોમાં પોતાની સુરક્ષાને લઈને ચિંતાના વાદળો ઘેરાયા છે અને વન વિભાગ તાકીદે યોગ્ય પગલાં ભરે તેવી માંગ ઉઠી રહી છે. આ સમગ્ર મામલામાં જ્યારે મૃતક મહિલાનો પીએમ રિપોર્ટ એટલે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સત્તાવાર રીતે સામે આવશે, ત્યારબાદ જ આ મોત પાછળના અસલી તથ્યો અને કારણો દુનિયા સામે આવી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *