પરિવાર અને પેશન વચ્ચે ખીલ્યું સ્વપ્ન સૂરોનું

પોતાની જાતને પર્ફોર્મર ગણતા જેતલબેન સોની ગીતો ગાતી વખતે જે રીતે શ્રોતાઓને ઝૂમવા મજબૂર કરી દે છે તે ખરેખર છે કાબિલેદાદ મુંબઈમાં ખૂબ જાણીતા ગ્રુપમાં…

પોતાની જાતને પર્ફોર્મર ગણતા જેતલબેન સોની ગીતો ગાતી વખતે જે રીતે શ્રોતાઓને ઝૂમવા મજબૂર કરી દે છે તે ખરેખર છે કાબિલેદાદ

મુંબઈમાં ખૂબ જાણીતા ગ્રુપમાં નવરાત્રીના કાર્યક્રમો કરતા જેતલબેન સોનીએ કીર્તીદાન ગઢવી, ઓસમાણ મીર, ફાલ્ગુની પાઠક,કિંજલ દવે જેવા સુપ્રસિદ્ધ કલાકારો સાથે આપ્યા છે કાર્યક્રમો

આજથી ત્રણેક દાયકા પહેલા સંગીત કલાને કેરિયર બનાવવાના વિચારને કંઈ ખાસ પ્રોત્સાહન મળતું નહીં. એમાંય જો કોઈ દીકરી આવો વિચાર કરે તો સમાજ અને પરિવાર બંનેની મર્યાદાનો ખ્યાલ રાખવો પડતો. ગીત,સંગીત નાટક,નૃત્ય વગેરેના શોખને સારી બાબત ન ગણાતી. આવા સમયમાં તેઓએ પોતાના સંગીતના શોખને દુનિયાની નજરથી બચાવી,પરિવારની જવાબદારીને અગ્રેસર ગણી,સમય સંજોગોને આધીન થઈને બીજમાંથી વૃક્ષ બનાવ્યું. ડગલે ને પગલે આવતી કસોટીને પાર કરીને સંગીતની દુનિયામાં જેણે આગવી ઓળખ ઉભી કરી છે એવા મુંબઈના જાણીતા સિંગર જેતલબેન સોનીની સૂરોની સફરની વાત આજે ઉડાનમાં.
જન્મ વિસનગરમાં થયો. પિતા પ્રકાશભાઈ સોની અને માતા જનકબેન સોની. ત્રણ બહેનોમાં તેઓ સૌથી નાના. પારંપરિક વૈષ્ણવ પરિવાર હોવાથી પિતાજી એવું માનતા કે યોગ્ય ઉંમરે દીકરી યોગ્ય જગ્યાએ પરણાવી દેવી જોઈએ, તેથી જેતલબેનનો અભ્યાસ ચાલુ હતો એ દરમિયાન જ સારું પાત્ર મળતા પિતાજીએ પરણાવી દીધા. 16 વર્ષની ઉંમરે અભ્યાસ પૂર્ણ પણ નહોતો થયો અને નવું જીવન શરૂૂ કરવાનો અવસર આવ્યો.

નાનપણથી જ સંગીતમાં રસ હતો એટલે શાળામાં પ્રાર્થના ગાતાં, અન્ય કાર્યક્રમમાં ભાગ લેતા તેમજ સોસાયટીના કાર્યક્રમોમાં પણ ભાગ લેતા. નાનપણથી જ ખૂબ આત્મવિશ્વાસ હતો. ક્યારેય બીજા લોકોની સામે પર્ફોર્મ કરવામાં સંકોચ ન અનુભવતા અને આ જ ગુણ તેમને મોટા થઈને ખૂબ કામમાં આવ્યો.હાલ ગીતો ગાતા,ઓડિયન્સને તેઓ જે રીતે ઇનવોલ્વ કરે,શ્રોતાઓને ઝૂમવા મજબૂર કરી દે તે ખરેખર કાબિલે દાદ છે.થોડા સમય પહેલાં રાજકોટ ખાતે જૈન વિઝન દ્વારા યોજાયેલ કાર્યક્રમ ’આવો રે આવો મહાવીર નામ લઈએ’માં ઉપસ્થિત દરેકે દરેક લોકોને તેઓએ મહાવીર નામમાં રંગી દીધા હતા.જેતલબેન પોતાની જાતને પર્ફોર્મ ગણાવે છે અને એટલે જ તેઓ માને છે કે કોઈપણ કાર્યક્રમ હોય ઓડિયન્સ મારી સાથે કનેક્ટ ન થાય ત્યાં સુધી મજા આવતી નથી. ઓડિયન્સ ગમે તેટલું હોય મારા પરર્ફોર્મન્સમાં જરા પણ તેની અસર દેખાય નહીં.

લગ્ન પછીની વાત કરતા તેઓએ જણાવ્યું કે સાસરે પણ સંયુક્ત પરિવાર હતો.સંગીત કે અન્ય કલામાં કોઈને રૂચિ ન હોવાથી એક આદર્શ પુત્રવધૂ બની સંગીતને ભૂલી જવાનું મુનાસીબ માન્યું. અભ્યાસ પૂરો ન થયો પરંતુ મનમાં એવું તો મક્કમપણે હતું જ કે હું ઘરમાં બેસી નહીં રહું. કંઈક કરી બતાવીશ.લગ્નના પાંચ વર્ષ પછી પતિ અને દીકરા સાથે અલગ રહેવાનું થતાં ફરી સંગીતના સૂરો મનમાં ગુંજવા લાગ્યા. ક્યાંથી શરૂૂઆત કરવી તે વિચારતી હતી ત્યાં જ એક વખત સોસાયટીની આસપાસ નવરાત્રી પહેલા માતાજીના ગરબા માટે ઓડિશન ચાલી રહ્યું હતું.તેમાં ગાવાની આ તક ઝડપી લીધી અને પ્રથમ વખત ખૂબ મહેનત કરી અને નવ દિવસ સુધી નવરાત્રીમાં ગરબા ગાયા અને આ કાર્યક્રમ પછી જાણે માતાજીની કૃપા થઈ અને એક પછી એક નવરાત્રીના કાર્યક્રમો મળવા લાગ્યા. ખૂબ જાણીતા ગાયક કલાકારો કીર્તીદાન ગઢવી, ઓસમાણ મીર, ફાલ્ગુની પાઠક,કિંજલ દવે વગેરે સાથે કાર્યક્રમ આપેલ જેમાંથી ખૂબ શીખવા મળ્યું.

બે દાયકાથી પણ વધુ તેમની સંગીતની આ યાત્રા ચાલુ છે ત્યારે હાલ તેઓ નવરાત્રી સિવાય લગ્ન ગીત,સંગીત સંધ્યા,મારવાડી ફેરા,માયરા વૈદિક ફેરા,બર્થડે પાર્ટી,ગોદ ભરાઈ વગેરે દરેક કાર્યક્રમમાં ગાય છે તેઓની યુટ્યુબ ચેનલ છે આમ છતાં પરિવારને પ્રથમ પ્રાધાન્ય આપે છે.છેલ્લા બે દાયકાથી મુંબઈમાં જાણીતા ગ્રુપમાં નવરાત્રીના કાર્યક્રમો કરે છે.અત્યારના સમયમાં નવા નવા સિંગરો આવ્યા છે ત્યારે પોતાની જાતને ખૂબ સજ્જ રાખે છે.તેઓએ સંગીતની તાલીમ પણ લીધેલ છે.જાણીતા સુગમ સંગીતના કલાકાર હેમા દેસાઈ પાસે તેઓ શીખ્યા છે તેમજ ઋતુરાજ તિવારી, ભાવદીપજી જયપુર વાલે પાસે તેઓએ સંગીતની તાલીમ લીધી છે.

તાલીમ સાથે નિયમિત રિયાઝ પણ કરે છે. તેઓ માને છે કે સંગીત દરિયો છે જેટલું શીખો એટલું ઓછું છે પરંતુ જ્યારે રિયાઝ સારો કર્યો હોય ત્યારે તેની અસર અવાજમાં અને પર્ફોર્મન્સમાં દેખાય છે.તેમના પતિ વિપુલભાઈ સોની તથા દીકરો રૂૂપીન સોની જ્વેલરી બિઝનેસમાં છે. તેઓ પોતે પણ આ બિઝનેસમાં મદદ કરી રહ્યા છે. જેતલબેનની સફળતામાં પરિવારજનોનો સાથ અને મા સરસ્વતી તથા ગુરુના આશીર્વાદ છે. સંગીતમાં ગમે તેટલા સફળ થાય પણ તેમની પ્રથમ પ્રાયોરિટી પોતાનો પરિવાર છે. અંગત અને પ્રોફેશનલ જિંદગીમાં અનેક ખાટા- મીઠા અનુભવો થયા છે આમ છતાં જેતલબેન સોનીએ હાર્યા વગર ફક્ત સૂરોના સથવારે પોતાની આગવી ઓળખ મેળવી છે. હવે તેમનું સ્વપ્ન ગુજરાતી સિરિયલ,ફિલ્મમાં અભિનય કરવાનું છે.તેઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

ગમતું કામ શોધી તેમાં આગળ વધો
મહિલાઓને સંદેશ આપતા તેઓએ જણાવ્યું કે હવે ગૃહિણી પાસે પણ સમય ખૂબ હોય છે. ઘર પરિવાર નાના થઈ ગયા છે તેથી સમયનો સદુપયોગ કરવા સાથે કંઇક ગમતું કામ શોધી લેવું જોઈએ.ભગવાને દરેક વ્યક્તિને કંઈક આવડત આપી છે તેને પિછાણી તેમાં આગળ વધો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *