CJI સૂર્યકાંતે NCERTના વિવાદાસ્પદ ધોરણ 8ના પુસ્તક પર કડક વલણ અપનાવ્યું છે. આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન, તેમણે કહ્યું કે તેઓ બિનશરતી માફી સ્વીકારશે નહીં. તેમણે કહ્યું કે પુસ્તક કેવી રીતે પ્રકાશિત થયું તેની તપાસ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે NCERT પુસ્તકના તે પ્રકરણ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. કોર્ટે પુસ્તકની નકલોના પ્રકાશન અને ડિજિટલ શેરિંગ પર પ્રતિબંધ મૂક્યો હતો. SCએ ભૌતિક નકલો જપ્ત કરવાનો પણ આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કોઈપણ સ્વરૂપમાં નકલ શેર કરનારાઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. આ કેસમાં આગામી સુનાવણી 11 માર્ચે યોજાશે.
નોંધનીય છે કે NCERTના ધોરણ 8ના સામાજિક વિજ્ઞાન પુસ્તકમાં “ન્યાયપાલિકામાં ભ્રષ્ટાચાર” અને પેન્ડિંગ કેસોની ચર્ચા કરવામાં આવી હતી. આજની સુનાવણી દરમિયાન, CJI એ કહ્યું કે આ એક ષડયંત્ર હોઈ શકે છે. તેમણે કહ્યું કે તેઓ હવે બિનશરતી માફી સ્વીકારશે નહીં, કારણ કે તેઓ ભવિષ્યમાં કોઈને પણ આવું કરવા દેશે નહીં. તેમણે કહ્યું કે તેઓ આ સંસ્થાની ગરિમાને કલંકિત થવા દેશે નહીં.
સુનાવણી દરમિયાન NCERT તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું, “સૌ પ્રથમ, અમે બિનશરતી માફી માંગીએ છીએ. શાળા શિક્ષણના સચિવ પણ અહીં હાજર છે.” જો કે સીજેઆઈએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું, “તેમની નોટિસમાં માફીનો એક પણ શબ્દ નથી. જે રીતે ડિરેક્ટરે આ બાબતને આગળ વધારવાનો પ્રયાસ કર્યો છે તે જોતા લાગે છે કે આમાં કોઈ મોટું ષડયંત્ર છે.”
સોલિસિટર જનરલે કોર્ટને ખાતરી આપી હતી કે, જવાબદાર લોકોને ભવિષ્યમાં આવા કામોમાં હિસ્સેદાર નહી બનાવવામાં આવે. બજારમાં આવેલા તમામ 32 પુસ્તકો પાછા ખેંચવામાં આવી રહી છે. એક ટીમ દ્વારા આખા પ્રકરણની ફરીથી સમીક્ષા કરવામાં આવી રહી છે. પાઠ્યપુસ્તકમાં ‘જસ્ટિસ ડિલેડ ઈઝ જસ્ટિસ ડિનાઈડ’ (ન્યાયમાં વિલંબ એ ન્યાયનો ઇનકાર છે) શીર્ષકવાળા હિસ્સાને પણ હટાવવા અંગે વિચારણા કરાશે, કારણ કે આપણે બાળકોને એવું ન શીખવી શકીએ કે ન્યાય મળતો જ નથી.
ચીફ જસ્ટિસ સૂર્યકાંતે આકરા શબ્દોમાં ઉમેર્યું હતું કે, “તમે આ બાબતને ખૂબ જ હળવાશથી લીધી છે. જવાબદારોના ધનુષમાંથી જે બાણ છૂટ્યું છે, તેનાથી આજે ન્યાયપાલિકા લોહીલુહાણ થઈ ગઈ છે. પુસ્તક હજુ પણ બજારમાં ઉપલબ્ધ છે, મને પણ એક સ્ત્રોત દ્વારા તેની નકલ મળી છે.”
