ન્યૂયોર્કના નવાસવા મેયર બનેલા ઝોહરાન મમદાની અને અમેરિકાના 8 સાંસદને જેના પર બહુ હેત ઊભરાયેલું એવા ઉમર ખાલિદની જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દઈને એક સ્પષ્ટ મેસેજ આપી દીધો કે, ભારત કોઈનું તાબેદાર નથી ને ભારતની ન્યાયિક પ્રક્રિયા કોઈના દબાણ હેઠળ ચાલતી નથી. મમદાની કે અમેરિકાના બીજા રાજકારણીઓને પોતાના રાજકીય સ્વાર્થ માટે ખાલિદ પર પ્રેમ ઊભરાતો હોય તો ભલે ઊભરાતો પણ ભારતના ન્યાયતંત્રને કોઈના કહેવાથી કોઈ ફરક પડતો નથી.
ઉત્તર-પૂર્વ દિલ્હીમાં 2020માં થયેલાં રમખાણોમાં 53 લોકો માર્યા ગયાં હતાં અને 250થી વધુ ઘાયલ થયા હતા. દિલ્હી રમખાણોના આરોપી ખાલિદની સાથે બીજો વિદ્યાર્થી નેતા શર્જીલ ઈમામ પણ લાંબા સમયથી જેલની હવા ખાય છે. ઉમર ખાલિદ 13 સપ્ટેમ્બર, 2020થી જેલમાં છે તેથી તેના જેલવાસને 5 વર્ષ ને 3 મહિના થઈ ગયા જ્યારે શર્જીલ ઇમામની તો રમખાણોના 6 અઠવાડિયા પહેલાં 28 જાન્યુઆરી 2020ના રોજ ધરપકડ કરવામાં આવી હતી.
એ જોતાં આ મહિને શર્જીલ તો જેલવાસના છ વર્ષ પૂરાં કરી નાંખશે. સુપ્રીમ કોર્ટે શર્જલની જામીન અરજી પણ ફગાવી દીધી છે પણ તેમની સાથે જ જેલમાં તળિયાં તપાવતા બીજા પાંચને કોર્ટે જામીન આપી દેતાં તેમની મુક્તિનો માર્ગ મોકળો થઈ ગયો છે. આ તમામ સામે અનલોફુલ એક્ટિવિટિઝ (પ્રીવેન્શન) એક્ટ (યુએપીએ) અને ઈન્ડિયન પિનલ કોડ (આઈપીસી)ની અલગ અલગ કલમો હેઠળ કેસ નોંધાયેલા છે. ખાલિદ, શર્જીલ બંને દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતા હતા.
2020માં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) લાવી ત્યારે જેએનયુ તેના વિરોધમાં એપીસેન્ટર બનેલું. કેન્દ્ર સરકાર નેશનલ સિટિઝન રજિસ્ટર (એનસીઆર) લાવીને મુસ્લિમોની નાગરિકતા છિનવી લેવાની ગંદી રમત રમી રહી છે એવો કુપ્રચાર એ વખતે જોરશોરથી ચલાવાયો હતો. તેની સામે આંદોલન શરૂૂ થયું એ વખતે વખતે જ યોગાનુયોગ અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પની ભારતમાં પધરામણી થવાની હતી. ડોનલ્ડ ટ્રમ્પની ભારત યાત્રા વખતે જ દેશભરમાં તોફાનો ભડકે તો આંતરરાષ્ટ્રીય મીડિયાનું ધ્યાન ભારત તરફ ખેંચાય અને સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) ના મુદ્દાને વૈશ્વિક સ્તરે ઉઠાવી શકાય એ ગણતરીથી ખાલિદ, શર્જીલ સહિત આણિ મંડળીએ દેશભરમાં રમખાણો કરાવવાનો કારસો ઘડેલો. દેશમાં બીજે ક્યાંય તો આ ગેંગ ફાવી નહીં પણ દિલ્હીમાં હિંસા ફાટી નિકળી તેમાં 53 લોકો માર્યા ગયેલાં અને 250થી વધુ લોકો ઘાયલ થયા હતા. રમખાણો બદલ 750થી વધુ એફઆઈઆર નોંધવામાં આવી હતી.
