રાજકોટમાં મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરનાર સપ્લાયરને જામીન મુક્ત કરતી સુપ્રીમ કોર્ટ

રાજકોટમાં પોણા બે વર્ષ પહેલાં રૈયા રોડ બાપા સીતારામ ચોક પાસેથી 170 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલા બે શખ્સને જથ્થાના સપ્લાયર તરીકે મુંબઈથી ઝડપાયા…

રાજકોટમાં પોણા બે વર્ષ પહેલાં રૈયા રોડ બાપા સીતારામ ચોક પાસેથી 170 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલા બે શખ્સને જથ્થાના સપ્લાયર તરીકે મુંબઈથી ઝડપાયા બાદ 23 માસથી જેલહવાલે રહેલા આરોપીની જામીનઅરજી સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે.

આ અંગેની હકીકત મુજબ, રાજકોટ ડી.સી.બી પોલીસે મળેલ બાતમીના આધારે તા.24/ 09/ 23ના રોજ રૈયા રોડ બાપા સીતારામ ચોક નજીકથી બ્રિજેશ ઉદયલાલ પાલીવાલ (રહે. મુંબઈ) તથા મુનાર ઉર્ફે ભાણો રાણાભાઈ ચીહલા (રહે.રાજકોટ)ને માદક પદાર્થ મેફેડ્રોન પાવડર 130 ગ્રામ જથ્થા સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા આરોપીઓના કહેવા મુજબ હાર્દિક હર્ષદભાઈ પરમાર (રહે. મુંબઈ) પાસેથી એમડી ડ્રગ્સ જથ્થો મેળવેલ હોઈ, જેથી પોલીસે હાર્દિક હર્ષદભાઈ પરમારની તા.01/ 10/ 23ના રોજ ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી બાદ કોર્ટની સૂચનાથી જેલહવાલે કરાયો હતો. બાદમાં આરોપીએ જેલમાંથી રેગ્યુલર જામીન ઉપર છૂટવા પ્રથમ સેશન કોર્ટ અને ત્યારબાદ હાઇકોર્ટમાં કરેલી જામીન અરજીઓ નામંજૂર થતા, તેણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી હતી.

જે અરજીના કામે આરોપી તરફે રાજકોટના ધારાશાસ્ત્રી મુકેશ આર. ભટ્ટી તેમજ સોમેશ ઝાહે દલીલો કરી હતી કે હાલના આરોપીને સપ્લાયર તરીકે પકડવામાં આવેલ છે, તેના ઘરની તલાશી દરમિયાન કોઈ જથ્થો મળેલ નથી, માત્ર સંદિગ્ધ આરોપી સાથેના ઓનલાઈન ટ્રાન્જેક્શનના આધારે પકડેલ છે, તે રેડીમેડ ગારમેન્ટ ધંધાર્થી હોવા છતાં 23 મહિનાના જેલવાસમાં હોવાની ધારદાર દલીલોને માન્ય રાખી સુપ્રીમ કોર્ટે આરોપી હાર્દિક હર્ષદભાઈ પરમારને જામીન મુક્ત કરવાનો હુકમ ફરમાવ્યો હતો. કોર્ટે પોતાના હુકમમાં સ્પષ્ટ કર્યું છે કે, જામીન આપવાનો નિર્ણય એ આરોપી વિરુદ્ધ દાખલ થયેલ આરોપોની ગંભીરતા ઘટાડવા માટે નથી, પરંતુ ન્યાયના હિતમાં તથા કાયદાની પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે છે. આ કામમાં આરોપી તરફે ધારાશાસ્ત્રી મુકેશ આર. ભટ્ટી, સોમેશ ઝાહ, અનીલ રાઠોડ તેમજ સહાયક તરીકે રાજ એમ. ભટ્ટી, ઉદીત આંબલીયા તથા ધિગ્માંશુ એમ. ભટ્ટી રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *