પંજાબ કિંગ્સને હરાવી સનરાઇઝર્સ હૈદરાબાદ પોઇન્ટ ટેબલમાં નંબર વન

હેનરિક કલાસેનની 43 બોલમાં 69 રનની સ્ફોટક ઇનિંગ, હોમ ગ્રાઉન્ડમાં વિજયનો પણ SRHએ બનાવ્યો રેકોર્ડ IPL 2026 માં સનરાઇઝર્સ હૈદરાબાદે વિજય નોંધાવ્યો જેણે માત્ર પોઈન્ટ…

હેનરિક કલાસેનની 43 બોલમાં 69 રનની સ્ફોટક ઇનિંગ, હોમ ગ્રાઉન્ડમાં વિજયનો પણ SRHએ બનાવ્યો રેકોર્ડ

IPL 2026 માં સનરાઇઝર્સ હૈદરાબાદે વિજય નોંધાવ્યો જેણે માત્ર પોઈન્ટ ટેબલ જ નહીં પરંતુ ઇતિહાસ પણ રચ્યો. પંજાબ કિંગ્સ સામે શાનદાર પ્રદર્શન સાથે, SRH એ હૈદરાબાદમાં તેમના હોમ ગ્રાઉન્ડ પર વિજયનો સિલસિલો સ્થાપિત કર્યો, ચેન્નાઈ સુપર કિંગ્સનો એક મોટો રેકોર્ડ તોડ્યો. 6 મેના રોજ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી IPL 2026 ની 49મી મેચમાં, સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 235 રનનો વિશાળ સ્કોર બનાવ્યો.

ટીમની જીતના હીરો હેનરિક ક્લાસેન અને ઇશાન કિશન હતા. બંનેએ પંજાબની નબળી ફિલ્ડિંગનો સંપૂર્ણ લાભ લીધો અને શાનદાર અડધી સદી ફટકારી. હેનરિક ક્લાસેનને શરૂૂઆતમાં જ રાહત મળી અને પછી 43 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકારીને 69 રનની ઝડપી ઇનિંગ રમી. કિશને 32 બોલમાં 55 રન બનાવીને ટીમને મજબૂત સ્થિતિમાં પણ પહોંચાડી. જવાબમાં પંજાબ કિંગ્સ ફક્ત 202 રન જ બનાવી શક્યું અને 33 રનથી મેચ હારી ગયું. પંજાબને મોટો પરાજય થયો અને તે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને આવી ગયું. આ દરમિયાન, સનરાઈઝર્સ હૈદરાબાદનો શાનદાર વિજય થયો અને ટોચનું સ્થાન મેળવ્યું.

આ મોટી જીત સાથે, હૈદરાબાદે એક ઐતિહાસિક રેકોર્ડ પણ બનાવ્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદે હૈદરાબાદમાં તેમના હોમ ગ્રાઉન્ડ પર પંજાબ કિંગ્સ સામે સતત નવમી જીત નોંધાવી. આઇપીએલના ઇતિહાસમાં એક જ સ્થળે એક જ પ્રતિસ્પર્ધી સામે ટીમ દ્વારા સૌથી વધુ સતત જીતનો આ રેકોર્ડ છે. અગાઉ, આ રેકોર્ડ ચેન્નાઈ સુપર કિંગ્સના નામે હતો, જેણે ચેન્નાઈમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે સતત આઠ મેચ જીતી હતી. હવે, SRH એ નવ જીત સાથે આ રેકોર્ડને પાછળ છોડી દીધો છે. વધુમાં, હૈદરાબાદમાં પંજાબ સામે SRH ની 11 મેચમાંથી આ 10મી જીત છે. પેટ કમિન્સની ટીમ એક જ સ્થળે ટીમ સામે સૌથી વધુ જીત સાથે IPLમાં બીજી સૌથી વધુ જીત મેળવનારી ટીમ બની ગઈ છે.

પંજાબ કિંગ્સે ઇશાનને ત્રણ-ત્રણ તક આપી
પંજાબ કિંગ્સ ફિલ્ડિંગની દ્રષ્ટિએ તે સૌથી ખરાબ ટીમ છે. આનો પુરાવો સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચ છે, જેમાં તેમના ખેલાડીઓએ ત્રણ સરળ કેચ અને એક સ્ટમ્પિંગ છોડ્યું. પંજાબના ખેલાડીઓએ ઈશાન કિશનને એક નહીં, બે નહીં, પરંતુ ત્રણ તકો આપી હતી. ફક્ત ઈશાન કિશન જ નહીં, પરંતુ હેનરિક ક્લાસેનનો પણ સરળ કેચ છોડવામાં આવ્યો હતો. ઈશાન કિશનને 9 રન પર પહેલું જીવનદાન મળ્યું. કૂપર કોનેલીએ લોકી ફર્ગ્યુસનના બોલ પર એક સરળ કેચ છોડ્યો. ઈશાન કિશન 18 રને હતો ત્યારે ફરીથી તેનો કેચ ડ્રોપ થયો, લોકી ફર્ગ્યુસને કેચ છોડ્યો. જ્યારે ઈશાન કિશન 20 રન પર રમી રહ્યો હતો, ત્યારે પ્રભસિમરન યુઝવેન્દ્ર ચહલની બોલ પર સ્ટમ્પિંગ ચૂકી ગયો. યુઝવેન્દ્ર ચહલ એટલી ખરાબ રીતે છેતરાઈ ગયો કે તેનું વર્ણન કરવું મુશ્કેલ છે. ઈશાન કિશનને ચહલની બોલ પર બે જીવનદાન ઉપરાંત, હેનરિક ક્લાસેનનો કેચ પણ ડ્રોપ કરવામાં આવ્યો. આ કેચ શશાંક સિંહે છોડ્યો, ત્યારે ક્લાસેન ફક્ત 9 રન પર રમી રહ્યો હતો.

SRHના 3 ખેલાડીઓ ઓરેન્જ કેપના દાવેદાર
સનરાઈઝર્સ હૈદરાબાદની તાકાત તેની બેટિંગ છે, અને તેના બેટ્સમેનો IPL 2026 માં જોરદાર પ્રદર્શન કરી રહ્યા છે. હૈદરાબાદનો ટોપ ઓર્ડર શાનદાર ફોર્મમાં છે, અને તેના પાંચમાંથી ત્રણ બેટ્સમેન ઓરેન્જ કેપ માટે દાવેદાર છે. હેનરિક ક્લાસેન ઓરેન્જ કેપની રેસમાં સૌથી આગળ છે. જમણા હાથના આ બેટ્સમેનએ 11 મેચમાં 54 થી વધુની સરેરાશથી 494 રન બનાવ્યા છે. તેણે આ સિઝનમાં પાંચ અડધી સદી અને 23 છગ્ગા ફટકાર્યા છે. ઓરેન્જ કેપની રેસમાં અભિષેક શર્મા બીજા ક્રમે છે. અભિષેક શર્માએ 47.5 ની સરેરાશથી 475 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઇક રેટ 210 છે, અને તેણે એક સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે. અભિષેકે અત્યાર સુધીમાં 36 છગ્ગા ફટકાર્યા છે. ઓરેન્જ કેપની રેસમાં ઈશાન કિશન ચોથા ક્રમે છે. ઈશાન કિશને અત્યાર સુધીમાં 409 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ 180 થી વધુ છે અને તેણે 22 છગ્ગા ફટકાર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *