સુનિતા વિલિયમ્સની નાસાને અલવિદા અંતરીક્ષમાં કુલ 208 દિવસો વિતાવ્યા

નાસાના એડમિનિસ્ટ્રેટરે તેમને અંતરીક્ષ વિજ્ઞાનના પથદર્શક ગણાવ્યા ભારતીય મૂળના જાણીતા મહિલા અંતરીક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ હવે નાસામાંથી નિવૃત્ત થયા છે. 27 વર્ષની લાંબી અને પ્રેરણાદાયી કારકિર્દી…

નાસાના એડમિનિસ્ટ્રેટરે તેમને અંતરીક્ષ વિજ્ઞાનના પથદર્શક ગણાવ્યા

ભારતીય મૂળના જાણીતા મહિલા અંતરીક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ હવે નાસામાંથી નિવૃત્ત થયા છે. 27 વર્ષની લાંબી અને પ્રેરણાદાયી કારકિર્દી બાદ, ડિસેમ્બર 2025ના અંતમાં તેમણે સત્તાવાર રીતે વિદાય લીધી છે. નાસાના એડમિનિસ્ટ્રેટર જેરેડ આઇઝેકમેને બુધવારે આ અંગેની જાહેરાત કરતા તેમને ’અંતરીક્ષ વિજ્ઞાનના પથદર્શક’ ગણાવ્યા હતા.

નિવૃત્તિ સમયે ભાવુક થતા સુનિતા વિલિયમ્સે જણાવ્યું કે, ’નાસામાં મારી 27 વર્ષની કારકિર્દી અદભૂત રહી છે. સ્પેસ સ્ટેશન પર અમે જે વિજ્ઞાન અને પાયો તૈયાર કર્યો છે, તે ભવિષ્યના ચંદ્ર અને મંગળ મિશન માટે રસ્તો સરળ બનાવશે. હવે નાસા ઇતિહાસ રચશે તે જોવા માટે હું આતુર છું.’

60 વર્ષીય સુનિતા વિલિયમ્સના નામે અવકાશમાં અનેક ઐતિહાસિક સિદ્ધિઓ નોંધાયેલી છે. તેઓએ અંતરીક્ષમાં કુલ 608 દિવસ વિતાવ્યા છે, જે નાસાના કોઈપણ એસ્ટ્રોનોટ દ્વારા વિતાવેલો બીજો સૌથી લાંબો સમય છે. આ ઉપરાંત, એક જ ઉડાનમાં સૌથી લાંબો સમય અવકાશમાં રહેનારા અમેરિકનોની યાદીમાં તેઓ છઠ્ઠા નંબરે છે. આ રેકોર્ડમાં તેઓ એસ્ટ્રોનોટ બુચ વિલમોરની બરાબરી પર છે. આ બંનેએ બોઇંગ સ્ટારલાઈનર અને સ્પેસ-એક્સ ક્રૂ-9 મિશન દરમિયાન સતત 286 દિવસ અંતરીક્ષમાં વિતાવ્યા હતા.

સુનિતા વિલિયમ્સે 9 વખત સ્પેસવોક કરી છે, જે કુલ 62 કલાક અને 6 મિનિટની થાય છે. કોઈપણ મહિલા દ્વારા કરવામાં આવેલો આ સૌથી લાંબો સ્પેસવોક સમય છે. તેઓ અવકાશમાં રહીને મેરેથોન દોડનારા વિશ્વના પ્રથમ વ્યક્તિ બન્યા હતા. સુનિતા વિલિયમ્સનું છેલ્લું મિશન ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું. જૂન 2024માં તેઓ બોઈંગ સ્ટારલાઈનરના પ્રથમ માનવ પરીક્ષણ માટે અવકાશમાં ગયા હતા. જોકે, ટેકનિકલ ખામીને કારણે આ ટૂંકું મિશન 9 મહિના સુધી ખેંચાયું હતું. આખરે માર્ચ 2025માં તેઓ સ્પેસએક્સના ક્રૂ-9 મિશન દ્વારા સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *