અઈઇની કાર્યવાહીમાં ગુનો નોંધાયા પહેલા સર્ચ અને પંચનામુ કરતા કોર્ટે પ્રથમદર્શી ગુનો માન્યો
જામનગરની એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ અદાલતે લાંચ રૂૂશ્વત વિરોધી બ્યુરોની કાર્યવાહી સામે દાખલ કરવામાં આવેલી ખાનગી ફરિયાદમાં મહત્વનો હુકમ કર્યો છે. ફરિયાદી ચંદ્રવિજયસિંહ એચ. ઝાલા દ્વારા વર્ષ 2019માં અઈઇ દ્વારા તેમના ઘર તેમજ કહેવાતી ઓફિસ ખાતે કરવામાં આવેલી સર્ચ અને પંચનામાની કાર્યવાહી સામે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. કોર્ટે રજૂ થયેલા દસ્તાવેજો અને પુરાવાઓના આધારે પ્રથમદર્શનીય ગુનો બનતો હોવાનું માની ફરિયાદને ફોજદારી કેસ તરીકે રજિસ્ટરે લેવાનો હુકમ કર્યો છે.
ફરિયાદ મુજબ, જામનગર અઈઇ પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 04/2019 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો તે પહેલાં જ સંબંધિત સ્થળોએ સર્ચ અને પંચનામાની કાર્યવાહી કરવામાં આવી હતી. ફરિયાદીએ આ કાર્યવાહી કાયદાની જોગવાઈઓ વિરુદ્ધ અને તેમને નુકસાન પહોંચાડવાના ઇરાદાથી કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ અંગે તેમણે કોર્ટ સમક્ષ વિવિધ દસ્તાવેજો અને પુરાવા રજૂ કર્યા હતા.
અદાલતે ફરિયાદીની રજૂઆત, સોગંદનામા પર નોંધાયેલા નિવેદન તેમજ રજૂ કરાયેલા દસ્તાવેજી પુરાવાઓનું અવલોકન કર્યું હતું. પુરાવાના આધારે જાહેર સેવક દ્વારા કાયદાની અવગણના કરવા અંગે ભારતીય દંડ સંહિતાની કલમ 166 તેમજ મદદગારી અંગેની કલમ 114 હેઠળ પ્રથમદર્શનીય ગુનો બનતો હોવાનું કોર્ટે માન્યું છે. કોર્ટે તત્કાલીન પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એ.ડી. પરમાર, તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એચ. આચાર્ય અને તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર પી.કે. લીલા સામે સમન્સ કાઢવાનો આદેશ આપ્યો છે. આ સાથે ફરિયાદને ફોજદારી કેસ તરીકે રજિસ્ટરે લઈ ત્રણેય અધિકારીઓ સામે આગળની કાનૂની કાર્યવાહી શરૂૂ કરવાનો માર્ગ મોકળો થયો છે.
