ફીટ ઇન્ડિયાના નામે નિર્ણય, વિદ્યાર્થીઓને આપવામાં આવતા નાસ્તાનું મેનુ પણ બદલાયું
રાજ્યમાં 32230 શાળાઓમાં અભ્યાસ કરતા 38.50 લાખ વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજના યોજનામાં આપવામાં આવતી સુખડી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફીટ ઈન્ડિયાના નામે તેલની માત્રા ઓછી કરવાનું કારણ આપી બે જ વર્ષમાં સુખડી આપવાની યોજનાને વિરામ આપી દેવામાં આવ્યો છે. મધ્યાહન ભોજન સાથે શરૂૂ કરેલા અલ્પાહારના મેનુમાં પણ ફેરફાર કરાયો છે.
અત્યાર સુધી નાસ્તામાં ચણા ચાટ અને શ્રી અન્ન મિલેટ સુખડી અપાતી હતી. જેના બદલે હવે મગચાટ, વેજીટેબલ પૌવા, મીક્ષ કઠોળ ચાટ, શ્રી અન્ન મિલેટ સુખડી અને વેજીટેબલ ઉપમા આપવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યની તમામ સરકારી શાળાના વિદ્યાર્થીઓને ભોજન અપાય છે. 2024માં ગુજરાત સરકારે ભોજન ઉપરાંત સપ્તાહમાં એક દિવસ વિદ્યાર્થીઓને સુખડી આપવા અંગે સત્તાવાર ઠરાવ પ્રસિદ્ધ કર્યો હતો. ત્યાર પછી નવેમ્બર-2024માં બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર આપવાની ’મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્યાહાર યોજના’ શરૂૂ કરવામાં આવી હતી. જોકે આ યોજનામાં ચણા ચાટ અને શ્રી અન્ન મિલેટ સુખડી આપવાનો નિર્ણય કરાયો હતો. આ પ્રમાણે છેલ્લા બે વર્ષથી બાળકોને ભોજન અને નાસ્તો આપવામાં આવતો હતો.
જોકે, ફીટ ઈન્ડિયા મુવમેન્ટ અંતર્ગત વિદ્યાર્થીઓમાં તેલનું પ્રમાણ ઓછું થાય તે માટે કમિટી દ્વારા મધ્યાહન ભોજનમાં અપાતી સુખડી બંધ કરવાની ભલામણ કરી હતી. ઉપરાંત વિદ્યાર્થીઓને અપાતા નાસ્તાના મેનુંમાં પણ ફેરફાર કરવાનું નક્કી કર્યું હતું.
હવે બાળકોને નાસ્તામાં શુ આપવામાં આવશે?
સોમવાર મગ ચાટ
મંગળવાર વેજીટેબલ પૌવા
બુધવાર મીક્ષ કઠોળ ચાટ
ગુરૂૂવાર અન્ન મીલેટ સુખડી
શુક્રવાર વેજીટેબલ ઉપમા
શનિવાર વેજીટેબલ પૌવા
