મોરબીના એક એપાર્ટમેન્ટમાં વૃદ્ધાએ આપઘાત કર્યા બાદ સ્યુસાઇડ નોટ મળી આવી હતી. આ નોટમાં એપાર્ટમેન્ટના અન્ય લોકો દ્વારા હેરાનગતિનો ઉલ્લેખ કરાયો હતો. પોલીસે આ મામલે એક મહિલા સહિત આઠ આરોપીઓની ધરપકડ કરી છે.
આ ઘટના મોરબીના ડિવાઇન પાર્કમાં આવેલા સત્ય બી એપાર્ટમેન્ટમાં બની હતી. 75 વર્ષીય સવિતાબેન છગનભાઈ પાંચોટિયાએ ગત 5 માર્ચ, 2025ના રોજ એપાર્ટમેન્ટના ધાબા પર ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. તેમના ઘરમાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી.
સ્યુસાઇડ નોટ અને મૃતકના પુત્ર નરેન્દ્રભાઈ છગનભાઈ પાંચોટિયા (44)ની ફરિયાદ મુજબ, સવિતાબેનને એપાર્ટમેન્ટમાં રહેતા મનોજભાઈ રમણીકભાઈ આદ્રોજા, વિશાલભાઈ અમરશીભાઈ ઘોડાસરા, નિલેશભાઈ પ્રભુભાઈ બારૈયા, ભાવિકભાઈ કાળુભાઈ વિરમગામ, કેવલ કાળુભાઈ વિરમગામ, રમણીકભાઈ ઉર્ફે ધામી આદ્રોજા, નાનજીભાઈ જીવાણી અને વિલાસબેન સહિત આઠ લોકો દ્વારા ધમકીઓ આપીને હેરાન કરવામાં આવતા હતા.
ફરિયાદીએ જણાવ્યું કે, આરોપીઓએ 2024માં તેમના પરિવાર સાથે ઝઘડો કર્યો હતો અને સમાધાનના બહાને અગાસી પર બોલાવીને મારામારી પણ કરી હતી. ત્યારથી સવિતાબેનને વારંવાર ધાકધમકીઓ આપવામાં આવતી હતી, જેનાથી કંટાળીને તેમણે આત્મહત્યાનું પગલું ભર્યું.સ્યુસાઇડ નોટ અને ફરિયાદના આધારે મોરબી એ ડિવિઝન પોલીસે આઠેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે મહિલા સહિત તમામ આઠ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
