નવલનગરમાં રહેતી ધો.11ની છાત્રાએ અમીન માર્ગ પર આવેલી સ્કૂલે જ એસિડ પીધુંં’તું
શહેરમાં નવલનગરમાં રહેતી ધો.11ની છાત્રાએ અભ્યાસની ચિંતામાં એક વર્ષ પહેલા પોતાની સ્કુલે એસીડ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેની સારવાર બાદ તેને રજા આપવામાં આવી હતી. જો કે એક વર્ષ બાદ આજે તેણીનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ મવડી મેઇન રોડ પર આવેલા નવલનગર શેરી નં.9માં રહેતી જાહલ વિપુલભાઇ ચાવડા (ઉ.18) નામની યુવતી ગત વર્ષે અમીન માર્ગ પર આવેલી બારદાનવાલા સ્કુલમાં ધો.11માં કોમર્સમાં અભ્યાસ કરતી હતી.
ધો.11માં ઓછા માર્કસ આવતા ધો.12માં ઓછા માર્કસ આવશે જેથી અભ્યાસની ચિંતામાં એક વર્ષ પહેલા તેણીએ સ્કુલના કમ્પાઉન્ડમાં એસીડ ગટગટાવી લીધું હતું.
જેથી વિદ્યાર્થીનીને સારવાર માટે પ્રથમ સિવિલ હોસ્પીટલ બાદ અમદાવાદ ખસેડવામાં આવી હતી. ત્યારબાદ રજા અપાતા તેણી ઘરે હતી. દરમિયાન આજે બેભાન થઇ જતા તેનું મોત નીપજયું હતું. આ અંગે માલવીયાનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક જાહલ એક ભાઇની એકની એક મોટી બહેન હતી. તેના પિતા બોરવેલ મજુરી કામ કરે છે. આ બનાવથી આહીર પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.