ફનબ્લાસ્ટ આગજની બાદ તમામ ગેમઝોનમાં કડક ચેકિંગ

ફાયર NOC અને સેફ્ટીની વ્યવસ્થા અંગે તપાસ, તમામ સર્ટિફિકેટ રજૂ કરવા સૂચના રાજકોટના લોકો હજુ TRP ગેમઝોનની ગોઝારી દુર્ઘટના ભૂલ્યા નથી, ત્યાં ગત તા. 26ને…

ફાયર NOC અને સેફ્ટીની વ્યવસ્થા અંગે તપાસ, તમામ સર્ટિફિકેટ રજૂ કરવા સૂચના

રાજકોટના લોકો હજુ TRP ગેમઝોનની ગોઝારી દુર્ઘટના ભૂલ્યા નથી, ત્યાં ગત તા. 26ને રવિવારના રોજ શહેરના પોશ એરિયા ગણાતા કાલાવડ રોડ પર આવેલા ‘ફન બ્લાસ્ટ ગેમઝોન’માં આગ લાગવાની ઘટના સામે આવતા સૌના જીવ તાળવે ચોંટી ગયા હતા. વેકેશનનો સમય અને રવિવારની રજા હોવાથી ગેમઝોનમાં મોટી સંખ્યામાં પરિવારો અને બાળકો મનોરંજન માટે આવ્યા હતા. ટીઆરપી અગ્નિકાંડ જેવી દૂઘર્ટના સ્હેજમાં ટળી હતી. ફન બ્લાસ્ટમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે સ્પાર્ક થતાં સ્મોક ડિટેક્ટર એક્ટિવ થઈ ગયા હતા અને હૂટર વાગવા લાગતા લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. જોકે, રાહતની વાત એ રહી કે ફાયર સેફ્ટી સિસ્ટમ બરાબર કામ કરી જતાં સમયસર તમામ લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું અને કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

અને રાજકોટમાં વધુ એક કલંકિત અને મનપા તંત્રને બટ્ટો લગાડતી ઘટના ટળી હતી. જો કે શાળા-કોલેજોમાં વેકેશન શરૂૂ થવા જઇ રહ્યા હોય એવા સમયે જ રાજકોટના વધુ એક ગેમઝોનમાં બનેલી આગની ઘટના તંત્ર માટે લાલબતી સમાન છે. ફન બ્લાસ્ટને તાત્કાલિક અસરથી તાળુ મારી દેવાનો આદેશ થયો છે અને જ્યા સુધી ઇલેક્ટ્રિક સાધનોના ફીટીંગનું સંબંધિત વીજતંત્ર તરફથી અપાતુ એનઓસી, વીજ વાયરના નેટવર્કન એપ્રુઅલ સહિતનુ જમા થયા પછી ફાયર બ્રિગેડ શાખા ચેકીંગ કરીને લીલીઝંડી ન આપે ત્યા સુધી ફન બ્લાસ્ટ બંધ રાખવા ડેપ્યુટી મ્યુનિ.કમિશનર ચેતન નંદાણી અને ચીફ ફાયર ઓફિસર અમિત દવેએ ગેમઝોનના સંચાલકને આદેશ કર્યો છે.

વધુ એક ગેમઝોન ફન બ્લાસ્ટમાં લાગેલી આગના પગલે મનપા તંત્રની ફાયર બ્રિગેડ અને ટીપી શાખાએ ભૂતકાળમાં ટીઆરપીના કલંકમાંથી બોધપાઠ લઇને તમામ ગેમ ઝોનમાં ચેકીંગ ચાલુ કરી દીધુ છે. હાલમાં ઉનાળુ વેકેશનનો માહોલ હોવાથી શહેરોના તમામ ગેમઝોનમાં ભારે ભીડ જામતી હોય તંત્ર વધુ સર્તક થઇ ગયુ છે. ફાયર વિભાગ દ્વારા આ ગેમઝોનની સુરક્ષા વ્યવસ્થાની સઘન તપાસ ચાલી રહી છે. આ ઘટનાને પગલે હવે શહેરના અન્ય ગેમઝોનનાં સંચાલકોને પણ તેમની ફાયર સેફ્ટી સિસ્ટમ અને સુરક્ષાના સાધનો તાત્કાલિક રી-ચેક કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે.

ફન બ્લાસ્ટમાં ટીઆરપી જેવું જ જોખમી ફ્રેમ સ્ટ્રક્ચર, ફાયર ઓફિસરે TP શાખા પર ઢોળ્યુ
ટીઆરપી અગ્નિ(હત્યા)કાંડ સર્જાયો ત્યારે જે રીતે મનપાના સંબંધિત વિભાગોએ એકપછી એક ઉપર દોષનો ટોપલો ઢોળવાનું શરૂૂ કરી દીધુ હતુ. ટીઆરપી બાદ હવે ફન બ્લાસ્ટમાં પણ હવે આ રીતે જ દોષનો ટોપલો અન્ય શાખા પર ઢોળાઇ રહ્યો છે. ફન બ્લાસ્ટના બાંધકામ સ્ટ્રક્ચર અંગે પુછાયેલા સવાલના જવાબમાં વર્તમાન ચીફ ફાયર ઓફિસર અમિત દવેએ કહ્યુ હતુ કે, ફન બ્લાસ્ટમાં ફ્રેમ સ્ટ્રક્ચર છે.(ટીઆરપી ગેમ જેવુ જ કહી શકાય). બાંધકામ સ્ટ્રક્ચરનું અમારામાં ન આવે. ટીપી શાખાને પુછો!

ફન બ્લાસ્ટમાં ચાઇનાની બનાવટના હલકા લાઇટ, વાયરોનો ઉપયોગ થયાની ચર્ચા
ફન બ્લાસ્ટમાં લાગેલી આગની ઘટના બાદ એક એવી ચર્ચાએ પણ જોર પકડ્યુ હતુ કે, આ ગેમ ઝોનમાં ડેકોરેશન માટે કે અન્ય રોશની માટે લાઇટ, વાયરો ચાઇનાની બનાવટના હલકી ગુણવતાના હતા. જો કે તેની સતાવાર પૃષ્ટિ મળી નથી. આ બાબતે ચીફ ફાયર ઓફિસરે કહ્યુ હતુ કે, ફન બ્લાસ્ટમાં વપરાયેલા વીજ ઉપકરણો કઇ કંપનીના અને કોની બનાવટના છે એ બાબતે પીજીવીસીએલના ઇજનેરોએ તપાસ કરવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *