મામલતદારની ટીમ દ્વારા અડચણરૂપ દબાણો દૂર કરવા કડક સૂચના આપવામાં આવી
બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં પોલીસ સ્ટેશનથી લઈને તાલુકા પંચાયત સુધીના મુખ્ય રોડ પર સતત ટ્રાફિક જામની સમસ્યા રહેતી હોય વાહન ચાલકો ટ્રાફિક જામથી ત્રાહીમામ પોકારી ગયા છે હજુ થોડા સમય પહેલા જ તંત્ર દ્વારા આ રોડ ઉપરના તમામ દબાનો હટાવવામાં આવ્યા હતા પરંતુ દબાણ હટાવ્યા બાદ પણ પરિસ્થિતિ એની એ જ રહે છે.જેના કારણ રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે રાણપુર શહેરમાં પોલીસ સ્ટેશનથી લઈને તાલુકા પંચાયત સુધીનો આ મુખ્ય રોડ છે આ રોડ ઉપરથી દરરોજ હજારો વાહનો અને રાહદારીઓ પસાર થાય છે ત્યારે ઠેર-ઠેર રોડ ઉપર લારીઓ, દુકાનદારોના બોર્ડ અને આડેધડ વાહન પાર્ક કરેલા હોય છે.
જેને કારણે વારંવાર ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે આ રોડ ઉપર સરકારી કચેરી,ગ્રામ પંચાયત અને સ્કૂલો,બેંકો આવેલી છે અને રાણપુરનો મુખ્ય રોડ છે ત્યારે રોડ ઉપર સતત વધી રહેલી ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો સમાન બની છે તંત્ર દ્વારા દબાણ હટાવ્યા બાદ પણ પરિસ્થિતિ એની એ જ રહેતા આખરે રાણપુર મામલતદાર કે.બી. ગોહિલની સૂચના હેઠળ નાયબ મામલતદાર સર્કલ ઓફિસર મુકેશભાઈ કણઝરીયા સહીતની ટીમ દ્વારા રાણપુર શહેરના તાલુકા પંચાયતથી પોલીસ સ્ટેશન સુધીના રોડ ઉપર જે દબાણ કરવામાં આવ્યા છે તે દબાણકર્તાઓને દબાણ હટાવી લેવા કડક સૂચના આપવામાં આવી છે.આ રોડ ઉપર થતી ટ્રાફિકની સમસ્યાને કારણે વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
