જામનગરમાં અંધ આશ્રમ નજીક હનુમાન ચોક વિસ્તારમાં એક રાજપૂત પરિવારના મકાન પર પથ્થર મારો કરાયો હતો, જે અંગેની ફરિયાદ કરવા માટે પરિવારજનો સીટી સી. ડિવિઝન પોલીસ મથકે ગયા હતા, દરમિયાન ત્રણ પાડોશીઓએ તેમના મકાનના ફળિયા માં ઘૂસી જઈ ત્યાં પડેલા સ્કૂટર અને એક સાઇકલને આગ ચાંપી દીધી હતી. ત્યારબાદ મકાનનો દરવાજો ખોલી અંદર રહેલા શેટ્ટી પલંગ સહિતના સર સામાન ને આગ ચાંપી દેતાં નુકસાન થયું હતું.
જે અંગે રાજપૂત મહિલા હકુબા રણજીતસિંહ જાડેજા એ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ત્રણ પાડોશીઓ આશિષ વારસાકીયા, મહેશ વારસાકિયા અને દીપક ગોહિલ સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને પોલીસે ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે. વધુમાં પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી હકુબા એ જાહેર કર્યું હતું, કે તેનો પુત્ર દિવ્યરાજસિંહ, કે જે ગઈકાલે રાત્રિના 11.30 વાગ્યા આસપાસ દિગ્જામ ઓવર બ્રિજ નીચેથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન ઉપરોક્ત ત્રણેય આરોપીઓ તાપણું કરી રહ્યા હતા, તેઓએ દિવ્યરાજ સિંહ ને રોકીને જુના મનદુ:ખ નો ખાર રાખીને માર માર્યો હતો, તેથી તેણે તુરતજ પોતાની માતા હકુબા ને ફોન કરી ને બોલાવી લીધી હતી.આથી હકુબાએ સ્થળ પર આવી પોતાના પુત્ર દિવ્યરાજને છોડાવી લઈ પોતાના ઘેર ચાલ્યા ગયા હતા.
ત્યાર બાદ ઉપરોક્ત ત્રણેય શખ્સોએ આવીને તેઓના ઘર ઉપર રાત્રિના સમયે પથ્થર મારો કર્યો હતો, અને સોડા બાટલી ના ઘા કર્યા હતા. જે બનાવ સંદર્ભમાં જે તે સમયે રાત્રી ના પોલીસને જાણ પણ કરી હતી, અને પોલીસ સ્થળો પર આવી તે દરમિયાન ત્રણેય આરોપીઓ ભાગી છૂટ્યા હતા.
ત્યારબાદ આજે સવારે રાજપૂત પરિવાર ના સભ્યો સિટી સી.ડિવિઝન પોલીસ મથકમાં ત્રણેય સામે ફરિયાદ નોંધાવવા માટે ગયા હતા.જે દરમિયાન પાછળથી ત્રણેય આરોપીઓએ મકાન માં પ્રવેશી ઘરવખરી ને સળગાવી દીધાનું જાહેર કર્યું છે. હાલમાં ત્રણેય આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી પોલીસ તેઓને શોધી રહી છે.