અમેરિકાની ટેરિફની ધમકીઓ વચ્ચે પણ ભારતીય શેરબજારમાં આજે જોરદાર તેજી જોવા મળી છે.સેન્સેક્સ 1500 અંક વધીને 84,000ના સ્તરે પહોંચી ગયો છે. નિફ્ટીમાં પણ 450 અંકની તેજી છે, તે 25,800ના સ્તરે છે..મહત્વનું છે કે સોમવારે શેરબજારમાં ભારે કડાકો જોવા મળ્યો હતો અને સેન્સેક્સમાં 1,800થી વધુ પોઈન્ટની ઉથલપાથલ સર્જાઈ હતી. જોકે, સોમવારના ઘટાડા બાદ આજે બજારમાં આવેલી આ જોરદાર તેજીએ રોકાણકારોમાં ફરી ઉત્સાહનો માહોલ સર્જ્યો છે.
બીએસઈ સેન્સેક્સ ગત સત્રના 82,435.99 ના જૂના બંધ ભાવ સામે આજે 1500 અંક વધીને 84,000ના સ્તરે પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે સેન્સેક્સની 52 સપ્તાહની ઊંચી સપાટી 86,159.02 અને નીચી સપાટી 71,292.88 રહી છે.
એનએસઈ નિફ્ટી 50 માં પણ શરૂઆતથી જ તેજીનો માહોલ જોવા મળ્યો હતો. નિફ્ટી તેના 25,349.65 ના જૂના બંધ ભાવ સામે આજે 25,658.35 ના સ્તરે ખૂલ્યો હતો. કારોબાર દરમિયાન નીચામાં 25,619.00 સુધી ગયા બાદ નિફ્ટીમાં 450 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો અને તે 25,800ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટીની 52 સપ્તાહની ઊંચી સપાટી 26,373.20 અને નીચી સપાટી 22,179.90 છે.
સમાચાર એજન્સી રોઇટર્સના એક અહેવાલ મુજબ, નવેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં રેકોર્ડ $14.28 અબજનું રોકાણ કર્યું છે. આ જંગી રોકાણ વૈશ્વિક બજારમાં આવેલા ફેરફારો સાથે જોડાયેલું છે; ખાસ કરીને, વિદેશી રોકાણકારો વિશ્વભરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સંબંધિત શેરોમાંથી મૂડી પાછી ખેંચીને તેને અન્યત્ર રોકી રહ્યા છે. આ જ મૂડી હવે ભારતીય શેરબજાર તરફ વળી રહી છે, જેનો સીધો લાભ સ્થાનિક બજારને મળી રહ્યો છે.
