સંયુક્ત આરબ અમીરાતમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. UAEના રાસ અલ ખૈમાહના અલ વતન રોડ પર એક પેસેન્જર બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 13 લોકોના મૃત્યુ થયા છે અને 14 અન્ય લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં ભારતીય નાગરિકોનો પણ સમાવેશ થયો છે. દુબઈ સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસે આ વાતની સત્તાવાર પુષ્ટિ કરી છે. આ ઘટનામાં ભારતીય નાગરિકોના મોતની પુષ્ટિ થતાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ ઘટના બાદ દુબઈમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે મૃતક ભારતીય નાગરિકોના પરિવારોનો સંપર્ક કર્યો છે. દૂતાવાસે અસરગ્રસ્ત પરિવારોને શક્ય તમામ મદદ પૂરી પાડવા માટે સ્થાનિક સત્તાવાળાઓ સાથે મળીને કામ કરી રહ્યું છે. જોકે, મૃત્યુ પામેલા કે ઘાયલ થયેલા ભારતીય નાગરિકોની ચોક્કસ સંખ્યા અંગે હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
https://x.com/cgidubai/status/2125229059131277761?s=20
સ્થાનિક સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, જ્યારે બસ રસ્તાની બાજુમાં ઉભેલા ટ્રક સાથે અથડાઈ ત્યારે તેમાં 41 મુસાફરો સવાર હતા. ટેકનિકલ ખામીને કારણે ટ્રક રસ્તા પર ઉભો રહી ગયો હતો. આ અકસ્માત મંગળવારે વહેલી સવારે અલ વતન રોડ પર થયો હતો. ઘટનાની જાણ થતાં જ બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં ખસેડ્યા હતા.
UAEના ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ અકસ્માત રાસ અલ ખૈમાહના અલ વતન રોડ પર થયો હતો. શરૂઆતી અહેવાલોમાં 11 લોકોના મૃત્યુની વાત હતી; જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ બે વ્યક્તિઓના મૃત્યુ થતાં મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે અન્ય 14 લોકો ઘાયલ થયા છે, જેમાંથી કેટલાકને ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેમની હાલત નાજુક છે.
દુબઈ સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે અને પુષ્ટિ કરી છે કે પીડિતોમાં ભારતીય નાગરિકો પણ સામેલ છે. દૂતાવાસે જણાવ્યું છે કે તેમણે પીડિતોના પરિવારોનો સંપર્ક કર્યો છે અને જરૂરી સહાય પૂરી પાડવા માટે સ્થાનિક સત્તાવાળાઓ સાથે સંકલન સાધી રહ્યા છે. દૂતાવાસે મદદ મેળવવા ઈચ્છતા લોકો માટે 24 કલાક કાર્યરત ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 800-46342 પણ શરૂ કર્યો છે. વધુમાં જણાવવામાં આવ્યું છે કે આ ઘટના અંગેની વધુ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. ફુજૈરામાં અગાઉની ઘટના
આ ઘટના યુએઈ (UAE)ના ફુજૈરામાં થોડા દિવસો પહેલા બનેલા એક માર્ગ અકસ્માત બાદ બની છે, જેમાં અનેક વાહનો એકબીજા સાથે અથડાતાં ૧૪ લોકોના મોત થયા હતા. મૃતકોમાં ચાર ભારતીય નાગરિકોનો પણ સમાવેશ થાય છે.
