અમેરિકા અને ભારત વચ્ચેની ડીલ બાદ આજે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી રહી છે.સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સત્રમાં ભારતીય શેરબજાર જબરદસ્ત ઉછાળા સાથે ખુલ્યું છે. બીએસઈ સેન્સેક્સ 230 પોઈન્ટના ઉછાળા સાથે 76325 પર ખુલ્યો અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 66 પોઈન્ટના ઉછાળા સાથે 23,098.35 પર ખુલ્યો.
BSE સેન્સેક્સના ટોચના 30 શેરોમાંથી 18 શેરોમાં તેજી જોવા મળી હતી, જ્યારે બાકીના 12 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. સૌથી વધુ ઘટાડો અદાણી પોર્ટના શેરમાં 1 ટકાથી વધુ હતો. જ્યારે સૌથી વધુ ઉછાળો ICICI બેંકના શેરમાં 1 ટકાથી વધુ હતો. જ્યારે નિફ્ટીના ટોચના 50 શૅર્સમાંથી 32 શૅર્સ વધ્યા હતા અને 17 શૅર્સ ઘટયા હતા.
બંને દેશો વચ્ચેના વેપારને કારણે અમેરિકન બજારોમાં રાતોરાત તેજી રહી હતી. ડાઉ જોન્સ 342.87 પોઈન્ટ અથવા 0.77 ટકા વધીને 44,711.43 ના સ્તર પર છે. S&P500માં 1 ટકાનો વધારો જોવા મળ્યો હતો. એશિયન બજારોમાં મિશ્ર વલણ હતું, જાપાન અને ચીનના બજારોમાં ઘટાડો હતો, પરંતુ હોંગકોંગ અને કોરિયાના બજારોમાં ઉછાળો જોવા મળ્યો હતો.
ટ્રમ્પે કહ્યું કે તેમની સરકાર ભારત સાથે નજીકથી કામ કરશે અને ટૂંક સમયમાં કેટલાક મોટા વેપાર સોદાની જાહેરાત કરશે. જેમાં અમેરિકા પાસેથી તેલ અને ગેસની ખરીદીનો સમાવેશ થાય છે. બંને દેશો દ્વિપક્ષીય વેપારને 2024માં 129.2 અબજ ડોલરથી વધારીને 2030 સુધીમાં 500 અબજ ડોલર સુધી પહોંચાડવાનું આયોજન કરી રહ્યા છે.
હેવેલ્સ ઇન્ડિયાના શેરમાં 2 ટકા, ડીએલએફ અને જેએસડબલ્યુના શેરમાં 1.5 ટકાનો વધારો થયો હતો. આ સિવાય SAILના શેરમાં 1 ટકા, હિન્દુસ્તાન ઝિંકના શેરમાં 2.27 ટકા, ભારત ફોર્જના શેરમાં 1.47 ટકા, ગો ડિજિટ ઇન્શ્યોરન્સના શેરમાં 4 ટકા અને હિન્દુસ્તાન કોપરના શેરમાં 1 ટકાનો વધારો થયો છે.
ઓટો, ફાર્મા, મેડિકલ અને મીડિયા જેવા સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે આઇટી, એફએમસીજી અને ફાઇનાન્શિયલ સર્વિસ સેક્ટરમાં વૃદ્ધિ જોવા મળી રહી છે.