ખંભાળા સ્કૂલ ઓફ સાયન્સની હોસ્ટેલમાં સવારે રૂમ પાર્ટનર ઉઠાડતાં છાત્ર ઉઠયો જ નહીં
હોળીની રજા બાદ હજુ કાલે સાંજે જ કચ્છથી આવ્યો’તો: એકના એક પુત્રના મોતથી પરિવારમાં ગમગીની
રાજકોટ જામનગર હાઇવે પર પડધરી નજીક ખંભાળા ગામે આવેલી સ્કૂલ ઓફ સાયન્સમાં અભ્યાસ કરતા ધો.11 સાયન્સના છાત્રનું બેભાન થઇ જતા મોત નિપજ્યુ હતુ. હાર્ટ એટેક આવી ગયાની શંકાએ પોલીસે મૃત્યુનું કારણ જાણવા પીએમ કરવા તજવીજ હાથ ધરી છે. કચ્છના ભચાઉનો છાત્ર હોળીની રજા બાદ હજુ ગઇ કાલે જ પરત આવ્યો હતો અને સવારે સ્કૂલનો સમય થઇ જતા રૂમ પાર્ટનરે ઉઠાડતા તે ઉઠયો જ ન હતો. એક ના એક પુત્રના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ કચ્છના ભચાઉનો વતની અને હાલ પડધરી નજીક ખંભાળા ગામે આવેલી સ્કૂલ ઓફ સાયન્સમાં ધો.11માં અભ્યાસ કરતો અને ત્યાજ હોસ્ટેલમાં રહેતો યશરાજ જયેશભાઇ સોલંકી (ઉ.વ.17) નામનો છાત્ર સ્કૂલમાં હોળી-ધૂળેટીની રજા હોવાથી તેના ઘરે ગયો હતો. જયાથી ગઇકાલે સાંજે પરત આવ્યો હતો અને હોસ્ટેલમાં પોતાની રૂમમાં રાતે સુઇ ગયો હતો. બાદમાં આજે સવારે સ્કૂલનો સમય થઇ જતા તેના રૂમ પાર્ટનરે તેને ઉઠાડવા જતા તે ઉઠતો ન હોય જેથી સ્કૂલ સંચાલકોને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા. છાત્રને બેભાન હાલતમાં સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયા ફરજ પરના તબીબે જોઇ તપાસી મરણ ગયાનુ જાહેર કર્યુ હતુ.
આ અંગે તેના પરિવારજનો જાણ કરતા પરિવારજનો રાજકોટ આવવા નીકળી ગયા હતા. આ અંગે પડધરી પોલીસે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહનું પીએમ કરવા તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતકના પિતા શિક્ષક હોવાનું અને મૃતક એક બહેનનો એકનો એક ભાઇ હોવાનુ જાણવા મળ્યું છે. પ્રાથમિક રીતે છાત્રને હાર્ટએટેક આવી જવાથી મૃત્યુ થયાની શંકા સેવાઇ રહી છે. જો કે, પીએમ રીપોર્ટ બાદ મોતનુ સાચુ કારણ બહાર આવશે એકના એક પુત્રના મોતથી પરિવારજનોમાં ગમગીની છવાઇ જવા પામી હતી.
