રાજકોટ શહેર તથા સૌરાષ્ટ્રના પ્રતિભાશાળી ખેલાડીઓ અને નાગરિકોને રમતગમત તેમજ ફિટનેસ માટે વૈશ્વિક કક્ષાનું માળખું મળી રહે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સતત પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે. આ શ્રુંખલા અંતર્ગત, મવડી વિસ્તારમાં ₹23.60 કરોડના ખર્ચે 11,831 ચોરસ મીટર જમીન પર નવનિર્મિત ’ અટલ બિહારી વાજપેયી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ’ ખાતે અત્યાધુનિક જિમ સુવિધાનો વિધિવત પ્રારંભ આજ તા:13-07-2026ના રોજ કરવામાં આવ્યો છે. આ અવસરે ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, શાસક પક્ષ નેતા ડો. હિરેનભાઈ ખીમણીયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં નાગરિકોના સ્વાસ્થ્ય અને ફિટનેસને પ્રોત્સાહન આપવા માટે જીમની સાથે યોગ સેન્ટર પણ કાર્યરત કરવામાં આવ્યું છે. સમગ્ર કોમ્પ્લેક્ષમાં ડે-નાઇટ સુવિધા ઉપલબ્ધ હોવાથી નોકરીયાત વર્ગ અને રમતવીરો પોતાની અનુકૂળતા મુજબ વહેલી સવારથી મોડી રાત સુધી આ સેવાનો લાભ લઈ શકે તે રીતે રાખવાનું મહાનગરપાલિકા દ્વારા નિયત કરવામાં આવ્યું છે. નાગરિકો માટે આજથી ઉપરોક્ત સેન્ટર ખાતેથી ઓફલાઇન રજીસ્ટ્રેશન શરૂૂ કરવામાં આવેલ છે.
જિમની મુખ્ય વિશેષતાઓ
* અદ્યતન ફિટનેશ મશીનો
* કાર્ડિયો સેક્શન
* ટ્રેડમિલ્સ
* ક્રોસ ટ્રેનર્સ
* સ્ટ્રેન્થ અને વેઇટ ટ્રેનિંગ સેક્શન
* ફ્રી વેઇટ્સ, ઓલિમ્પિક બારબેલ રોડ્સ અને વજનની પ્લેટ્સ.
* એડજસ્ટેબલ બેન્ચીસ
* લેટ પુલડાઉન, ચેસ્ટ પ્રેસ, લેગ પ્રેસ, કેબલ ક્રોસઓવર મશીન.
* ફંક્શનલ અને ફ્રી-સ્ટાઇલ એરિયા
* વોશરૂૂમ અને શાવર એરિયા
* શુદ્ધ પીવાના પાણીની સુવિધા
* ફર્સ્ટ એઇડ બોક્સ
* સર્ટિફાઇડ ટ્રેનર્સ
