ગોંડલ શહેરમાં વછેરાનાં વાડા માં ચાલી રહેલા આઇકોનિક મેળામાં લોહીયાળ ખેલ ખેલાયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મેળામાં ફોટોફ્રેમ અને ભગવાન ની છબીઓ વેંચવાનો સ્ટોલ ચલાવીને રોજગારી મેળવતા એક પરપ્રાંતીય યુવાન પર વોરાકોટડા રોડ પર રહેતા રાહુલ નામનાં શખ્સ સહીત અન્ય ચાર શખ્સોએ જીવલેણ હુમલો કરી છરીના ઘા ઝીંકી દેતા યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ. આઇકોનિક મેળામાં હત્યાની ઘટના બનતા મેળો માણી રહેલા લોકો માં નાશભાગ મચી ગઇ હતી.બનાવ ને પગલે પોલીસ દોડી ગઇ હતી. આ મામલે પોલીસે પાંચ શખ્સોની ધરપકડ કરી છે.
મૃતક રમાશંકર કમલપ્રસાદ બર્મન (ઉં.વ. 25) મૂળ મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના સુડોર ગામનો વતની હોવાનું જાણવા મળ્યું હતુ. રમાશંકર ગોંડલના આઇકોનિક મેળામાં પોતાનો સ્ટોલ લગાવીને વેપાર કરી રહ્યો હતો.
દરમ્યાન ગત રાત્રીનાં અગીયાર કલાકે વોરાકોટડા રોડ પર રહેતો રાહુલ રાજુભાઇ ડોડીયા અને અન્ય ત્રણ થી ચાર શખ્સો સ્ટોલ પર આવી છબી ખરીદી હતી.બાદ માં પૈસા આપ્યા વગર ચાલતી પકડતા રમાશંકરે પૈસા માંગતા રાહુલ સહીત નાં શખ્સોએ બોલાચાલી કરી જગડો કર્યો હતો.બાદ માં ઉશ્કેરાયેલા રાહુલે રમાશંકર ને નેફા માંથી છરી કાઢી ઝીંકી દેતા રમાશંકર લોહીલુહાણ બન્યો હતો.આ તકરારમાં રમાશંકરનો પિતરાઇ વિશાલ નરેશ શર્મા વચ્ચે પડતા તેને પણ છરી લાગતા તે ઇજાગ્રસ્ત બન્યો હતો.બનાવ બાદ રાહુલ સહીત નાં શખ્સો નાશી છુટ્યા હતા.
રાહુલ મેળા બહાર નિકળી નાશી રહ્યો હતો ત્યારે બંદોબસ્ત માં રહેલા પીઆઇ જી.એસ.ગઢવી તથા પીએસઆઇ સુરાણી એ નાશી રહેલા રાહુલ પાછળ દોટ મુકી દબોચી લીધો હતો. બીજી બાજુ રમાશંકર ને છાતીનાં ભાગે છરીનો ઉંડો ઘા લાગ્યો હોય તે ઢળી પડ્યો હતો. આ સમયે મેળા માં ફરી રહેલા શિવમ સાર્વજનિક ટ્રસ્ટ નાં જયભાઈ માધડ ને બનાવ ની જાણ થતા તેમણે સમય ગુમાવ્યા વગર લોહીલુહાણ રમાશંકર ને પોતાનાં એકટીવા માં વચ્ચે અને પાછળ અન્ય વ્યક્તિ ને બેસાડી એકટીવા સિવિલ હોસ્પિટલ તરફ ભગાવ્યુ હતુ.
હોસ્પિટલે ઈમરજન્સી માં રમાશંકર ને ખસેડાતા કોઈ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યુ હતું.બનાવ ને પગલે ડીવાયએસપી કે.જી.ઝાલા ઘટના સ્થળે દોડી ગયા હતા. આ હુમલામાં ઘાયલ વિશાલને રાજકોટ સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાયો છે.
બનાવ અંગે હત્યાનો ગુનો નોંધી પોલીસે હત્યામાં સામેલ રાહુલ રાજેશ ડોડીયા, સમીર અકબર સુમરા, અલ્ફાજ રફીક શેખ, નવાજ ઇરફાન દોઢીયા અને અસફાક જુનેજાની ધરપકડ કરી પુછપરછમાં ફોટોફ્રેમનાં ભાવતાલ અંગે જગડો થતા ઉશ્કેરાઈ જઈ આરોપીએ છરી નો વાર કર્યો હોવાની કબુલાત આપી છે. આઇકોનિક મેળા માં હત્યાની ઘટનાને લઇને પોલીસે આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે સરાજાહેર હત્યાથી સનસનાટી
ગોંડલ આઇકોનિક મેળા માં લોકોની ભીડ વચ્ચે થયેલી હત્યા ની ઘટના એ શહેરમાં સનસનાટી મચાવી મુકી છે.જન્માષ્ટમી પર્વ માં રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાય બે થી ત્રણ દિવસ ગોંડલ ની વિઝીટ કરી લોકમેળા સહીત જન્માષ્ટમી ઉત્સવ માં કાયદો અને વ્યવસ્થા નુ ચુસ્ત પણે પાલન થાય તે માટે પોલીસ તંત્ર ને એલર્ટ કર્યુ હતું. કૃષ્ણ જન્મ શોભાયાત્રા, સંગ્રામ સિંહ હાઈસ્કૂલ નાં મેદાન માં યોજાતો નગરપાલિકા સંચાલીત લોકમેળો, આઇકોનિક મેળા સહીત કાયદો વ્યવસ્થા ને લઇ પોલીસ, એસઆરપી, હોમગાર્ડ નો બંદોબસ્ત ગોઠવાયો હતો.
