મુસાફરોના જીવ જોખમમાં મૂકી માસૂમ બાળકને ડ્રાઇવિંગ શીખવતા ડ્રાઇવર સામે ભારે રોષ
જામનગરમાં ગુજરાત એસ.ટી. નિગમની બસમાંથી મુસાફરોની સુરક્ષા સામે ગંભીર બેદરકારીનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. એસ.ટી. ડેપોમાંથી બહાર નીકળતી ચાલુ બસમાં ડ્રાઇવરે એક માસૂમ બાળકને બસનું સ્ટીયરિંગ સોંપી દીધું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે ચકચાર મચી છે.
મંગળવારે રાત્રે ડેપોમાંથી બસ બહાર નીકળતી હતી ત્યારે સમગ્ર ઘટનાને એક રિક્ષાચાલકે પોતાના મોબાઇલમાં કેદ કરી લીધી હતી. વાયરલ થયેલા વીડિયોમાં ડ્રાઇવિંગ સીટ પર બેઠેલો ડ્રાઇવર પોતાની બાજુમાં એક બાળકને બેસાડીને બસ ચલાવવા દેતો હોવાનું સ્પષ્ટપણે જોવા મળે છે. બસનું સ્ટીયરિંગ બાળકના હાથમાં છે, જ્યારે ડ્રાઇવર તેની બાજુમાં બેઠેલો જોવા મળે છે. એસ.ટી. બસમાં દરરોજ મોટી સંખ્યામાં મુસાફરો મુસાફરી કરતા હોય છે, ત્યારે ચાલુ બસમાં બાળકને સ્ટીયરિંગ સોંપવાની આ હરકત મુસાફરોના જીવને ગંભીર જોખમમાં મૂકી શકે તેવી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ડ્રાઇવરની આવી બેદરકારીને કારણે કોઈ અકસ્માત સર્જાયો હોત તો તેની જવાબદારી કોની રહેત? તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે.
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ એસ.ટી. નિગમનું તંત્ર હરકતમાં આવ્યું હોવાનું જાણવા મળે છે. જવાબદાર ડ્રાઇવરની ઓળખ મેળવવા તેમજ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ડ્રાઇવર સામે શિસ્તભંગની કાર્યવાહી ઉપરાંત સસ્પેન્શન સહિતનાં પગલાં ભરવાની તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે. મુસાફરોના જીવ સાથે ચેડાં કરતી આવી ગંભીર બેદરકારી સામે માત્ર કાગળ પરની કાર્યવાહી નહીં, પરંતુ જવાબદાર સામે દાખલારૂૂપ કડક પગલાં ભરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે.
