ઇન્ટરવ્યૂ માટે બેરોજગારોને બોલાવી સ્ટાફ ગોઠવી દીધો, લોકર આપવાના નામે જ્વેલર્સનું સોનું પડાવી લીધું, રાતોરાત તાળા મારી ઠગ ગાયબ, દાહોદમાં ફિલ્મ સ્ટોરી જેવી ઘટના
દાહોદમાં બોલીવૂડ ફિલ્મ ‘સ્પેશિયલ-26’ની યાદ અપાવે તેવી છેતરપિંડીની ઘટના બનતા ચકચાર મચી ગઇ છે. આ ઘટનામાં માત્ર નવ કલાક માટે બેંક ઉભી કરી ગઠીયાઓએ જ્વેલર્સને વિશ્ર્વાસમાં લઇ 200 ગ્રામ સોનુ પડાવી બેંકને તાળા મારી ભાગી ગયા હોવાની ઘટના સામે આવી છે.
આ ટોળકીએ ભાડાની દુકાનમાં ઉત્કર્ષ સ્મોલ ફાયનાન્સ બેંકના નામે નકલી શાખા તૈયાર કરી આ બેંક પ્રથમ દૃષ્ટીએ જોતા અસલી લાગે તેવી રીતે ફર્નિચર અને સ્ટાફની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ ઘટના સામે આવતા જ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ ઘટનામાં હાલ દાહોદ પોલીસે 28.60 લાખની ઠગાઇનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.
પોલીસ ફરિયાદ મુજબ, 15 જુલાઈએ દાહોદના નેતાજી બજાર સ્થિત મહાવીર જવેલર્સ ખાતે એક વ્યક્તિ આવ્યો હતો. તેણે રથયાત્રામાં સોનું દાન કરવાનું હોવાનું કહી પોતાનો મેનેજર સંપર્ક કરશે તેમ જણાવ્યું હતું. બીજા દિવસે ફોન કરીને જવેલર્સને ગોધરા રોડ પર આવેલી લેન્ડમાર્ક બિલ્ડિંગના ત્રીજા માળે બનાવાયેલી કથિત ’ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક’માં 200 ગ્રામ સોનું લઈને આવવાનું કહેવામાં આવ્યું હતું.
લોકરમાંથી રૂૂપિયા લાવવાના બહાને થયો ફરાર – મહાવીર જવેલર્સના પ્રતિનિધિ જય રાકેશકુમાર ગાંધી 10 ગ્રામ અને 50 ગ્રામના મળી કુલ 200 ગ્રામ સોનાના બિસ્કિટ સાથે બેંક પહોંચ્યા હતા. ઠગે સોનાના બિસ્કિટ લઈને લોકરમાંથી રૂૂપિયા લાવવાનું કહી એક લોક કરેલી બેગ બતાવી હતી. ત્યારબાદ બાકીની રકમ નાની ચલણી નોટોમાં હોવાનું કહી ફરી અંદર ગયો અને પહેલેથી તૈયાર કરાયેલા બીજા દરવાજા મારફતે નીચે ઉતરી બાઈક પર ફરાર થઈ ગયો.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સુમિત 13 જુલાઈએ દાહોદ આવ્યો હતો. તેણે લેન્ડમાર્ક બિલ્ડિંગમાં ત્રણ દુકાનો ભાડે લીધી હતી અને એક વર્ષનું એડવાન્સ ભાડું ચેકથી ચૂકવી માલિકનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ ફર્નિચર, કોમ્પ્યુટર, પંખા, લાઇટ સહિતનો સામાન પણ ચેકથી ખરીદ્યો અને મજૂરોની મદદથી માત્ર નવ કલાકમાં આખી બેંકનો દેખાવ તૈયાર કરી દીધો હતો. રથયાત્રાના દિવસે બેંકોમાં રજા હોવાથી આપેલા ચેક ક્લિયર થયા નહોતા. આ સમયગાળામાં ઠગ ટોળકીએ પોતાની યોજના અમલમાં મૂકી હતી.
ઇન્ટરવ્યૂના બહાને નકલી સ્ટાફ બેસાડ્યો
કોઈને શંકા ન જાય તે માટે ઠગ ટોળકીએ બેંકમાં ભરતી માટે ઇન્ટરવ્યૂ પણ ગોઠવ્યા હતા. મહિલા અને પુરુષ મળી લગભગ 10 ઉમેદવારોને કોમ્પ્યુટરની સામે બેસાડવામાં આવ્યા હતા. જ્યારે જવેલર્સ બેંકમાં પહોંચ્યા ત્યારે તેમણે આ ઉમેદવારોને જ બેંકના કર્મચારીઓ સમજી લીધા અને ઠગ ટોળકીની ચાલમાં ફસાઈ ગયા.
અસલી બેંકના નામનો દુરુપયોગ
તપાસમાં જાણવા મળ્યું છે કે ઠગોએ ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકના નામ સાથે જીએસટી નંબર અને પીએએન જેવી વિગતોનો ઉપયોગ કરીને નકલી શાખા ઉભી કરી હતી. હાલ પોલીસને ત્રણ શંકાસ્પદ લોકો અંગે માહિતી મળી છે અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂૂ કરવામાં આવી છે.
