નામિબિયા સામે દક્ષિણ આફ્રિકાની શરમજનક હાર

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વધુ એક મોટો અપસેટ જોવા મળ્યો છે. નામિબિયા, દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ રહેલી T20 ત્રિકોણીય શ્રેણીની ઓપનિંગ મેચમાં જ યજમાન નામિબિયાએ…

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વધુ એક મોટો અપસેટ જોવા મળ્યો છે. નામિબિયા, દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ રહેલી T20 ત્રિકોણીય શ્રેણીની ઓપનિંગ મેચમાં જ યજમાન નામિબિયાએ દક્ષિણ આફ્રિકાને 18 રને હરાવીને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે.

વિન્ડહોકમાં રમાયેલી આ મેચમાં ICC T20 રેન્કિંગમાં 14મા ક્રમે રહેલી નામિબિયાની ટીમે શાનદાર રમત બતાવીને વિશ્વ ક્રિકેટની મજબૂત ટીમોમાં ગણાતી દક્ષિણ આફ્રિકાને ધૂળ ચાટતી કરી દીધી હતી. નામિબિયાએ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 163 રન બનાવ્યા હતા. 164 રનના વિજયી લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 145 રન જ બનાવી શકી હતી. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઈતિહાસમાં આ માત્ર બીજો પ્રસંગ હતો જ્યારે બંને ટીમો સામસામે આવી હોય, અને નામિબિયાએ દક્ષિણ આફ્રિકા સામે પોતાની જીતનો રેકોર્ડ અકબંધ રાખ્યો છે.
164 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમની શરૂૂઆત અત્યંત ખરાબ રહી હતી. ટીમે માત્ર 19 રનના સ્કોર પર પોતાના બંને ઓપનરો ગુમાવી દીધા હતા. ત્યારબાદ 39 રનના કુલ સ્કોર પર ટોની ડી જોર્ઝી પણ પેવેલિયન ભેગો થઈ જતાં ટીમ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી.

આ કપરા સમયમાં વિસ્ફોટક બેટ્સમેન ડેવાલ્ડ બ્રેવિસે ક્રિઝ પર આવીને ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. બ્રેવિસે રૂૂબિન હર્મન સાથે મળીને ચોથી વિકેટ માટે 39 રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાવીને દક્ષિણ આફ્રિકાને મેચમાં પાછું લાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બીજા છેડેથી સતત વિકેટો પડવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો. બ્રેવિસે એક છેડો સાચવી રાખીને 50 બોલમાં 75 રનની આક્રમક અર્ધશતકીય ઇનિંગ રમી હતી, પરંતુ તેને અન્ય કોઈ બેટ્સમેનનો સાથ મળ્યો નહોતો.દક્ષિણ આફ્રિકાના સાત બેટ્સમેનો તો બેવડા આંકડા (10 રન) સુધી પણ પહોંચી શક્યા ન હતા. બ્રેવિસ આઉટ થતાં જ દક્ષિણ આફ્રિકાની જીતની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું હતું.

આ યાદગાર જીતમાં નામિબિયાના બોલરોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ખાસ કરીને રૂૂબેન ટ્રમ્પેલમેન અને જેજે સ્મિતે શાનદાર અને શિસ્તબદ્ધ બોલિંગનું પ્રદર્શન કર્યું હતું. બંને બોલરોએ દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોને તક ન આપતાં 3-3 મહત્વપૂર્ણ વિકેટો ઝડપી હતી. આ સિવાય જેક બ્રાસેલ, કેપ્ટન ગેરહાર્ડ ઇરાસ્મસ અને મેક્સ હીંગોએ 1-1 વિકેટ લઈને દક્ષિણ આફ્રિકા પર દબાણ જાળવી રાખ્યું હતું. બોલિંગ પહેલાં નામિબિયા તરફથી બેટિંગમાં ઓપનર જાન ફ્રાયલિંકે 38 બોલમાં 60 રનની શાનદાર ઈનિંગ રમીને ટીમને 163 રનના મજબૂત સ્કોર સુધી પહોંચાડવામાં મોટું યોગદાન આપ્યું હતું.

આ ત્રિકોણીય શ્રેણી ભવિષ્યની મોટી ટૂર્નામેન્ટો માટે તમામ ટીમો માટે મહત્વપૂર્ણ તૈયારી માનવામાં આવી રહી છે. દક્ષિણ આફ્રિકાની ટીમે પોતાના ઘણા અગ્રણી ખેલાડીઓને આ શ્રેણીમાં આરામ આપ્યો છે અને યુવા ખેલાડીઓને તક આપી છે. પરંતુ આ પ્રકારની શરમજનક હારથી ટીમ પ્રબંધન માટે ચિંતાના વાદળો ઘેરાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *