રાજકોટમાં અગરબતીનો વ્યવસાય કરતાં પરિવારે મકાન માટે 4 લાખની લોન લીધી હતી, આર્થિક ભીંસથી કંટાળી વેપારીએ પત્ની અને યુવાન પુત્ર સાથે ઝેરના પારખા કર્યા
રાજકોટના સત્યમ પાર્કમાં રહેતાં સોની વેપારીએ આર્થિક ભીંસથી કંટાળી મકાનના હપ્તા ચડી જતાં પરિવાર સાથે સામુહિક આપઘાતનો પ્રયાસ કરતાં સોની દંપતિ અને પુત્રને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ મામલે પોલીસે નિવેદન લઈ જરૂરી કાર્યવાહી કરી છે. 14 લાખના મકાનમાં 4 લાખની લોન લીધી હોય જેના ચડત હપ્તા ભરવા રૂપિયા ન હોય સોની વેપારીએ પત્ની અને 30 વર્ષના પુત્ર સાથે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
મળતી વિગતો મુજબ, રાજકોટનાં 80 ફુટ રોડ પર હુન્ડાઈ શો રૂમની સામે સત્યમ પાર્ક-4માં રહેતાં અને ઘરે અગરબતી પેકીંગનું કામ કરતાં નિલેશભાઈ રતિલાલભાઈ સવદાસ (ઉ.55) નામના સોની વેપારીએ તેની પત્ની ચંદ્રીકાબેન (ઉ.50) અને પુત્ર મારગીન (ઉ.30) સાથે પોતાના ઘરે રાત્રીનાં એક વાગ્યે સામુહિક ઝેરી દવા પી લેતાં ત્રણેયને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં થોરાળા પોલીસ મથકનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને નિલેશભાઈ તથા તેમના પત્ની ચંદ્રીકાબેન તથા પુત્ર મારગીનનું નિવેદન નોંધ્યું હતું.
પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ, ઘરે અગરબતી પેકીંગનું કામ કરતાં સોની વેપારી નિલેશભાઈ સવદાસે સત્યમ પાર્કનું મકાન જે 14 લાખમાં ખરીદયું હોય તેમાં 10 લાખ રોકડા આપ્યાહ તાં. જ્યારે 4 લાખની લોન લીધી હતી. તેમાં 2.75 લાખની સબસીડી મળી હોય આ લોનનો રૂા.7500નો હપ્તો બેંકમાં ભરવાનો થતો હતો.
નિલેશભાઈ અને તેમના પરિવારના સભ્યો આર્થિક ભીંસમાં આવી જતાં મકાનના 12 હપ્તા ચડત થઈ ગયા હતાં. બેંક મકાનને સીલ મારે તે પૂર્વે પરિવાર અને મિત્રો પાસેથી ઉછીના લઈ આ 12 હપ્તા ભરી દીધા હતાં. થોડો સમય પરિવારનું ગુજરાન યોગ્ય રીતે ચાલ્યા બાદ ફરી આર્થિક ભીંસ આવતાં નિલેશભાઈ આર્થિક સંકડામણનો ભોગ બન્યા હતાં અને ફરી મકાનના લોનના 6 હપ્તા ચડત થઈ ગયા હતાં.
મિત્રો અને સગા સંબંધીઓએ હાથ ઉછીના રૂપિયા આપવાની ના પાડી દેતાં આર્થિક સંકડામણમાં આવી ગયેલા નિલેશભાઈએ સામુહિક આપઘાતનો વિચાર આવ્યો હતો અને ઘઉંમાં નાખવાની ટીકડી પાણીમાં નાંખી પ્રથમ પુત્ર મારગીન ત્યારબાદ પત્ની ચંદ્રીકાબેને પીધું હતું અને ત્યારબાદ નિલેશભાઈએ પણ આ ઝેરી દવા વાળુ પાણી પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
નિલેશભાઈ પોતાના ઘરે જ અગરબતી પેકીંગ અને વેચાણનું કામ કરે છે તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પુત્રીના લગ્ન થઈ ગયા છે. જ્યારે મારગીન હજુ કુવારો છે. નિલેશભાઈ પોતે ત્રણ ભાઈ અને બે બહેનમાં સૌથી નાના છે આ બનાવથી પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતાં.
