રાજકોટ શહેરના નવા થોરાળા વિસ્તારમાં આજી નદીના કાંઠે આવેલા ટેક્ટર ચોક પાસે એક અત્યંત શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં નજીવા પ્રશ્ને પુત્રે પોતાના જ પિતા પર જીવલેણ હુમલો કર્યો હોવાની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદી દિલીપભાઈ મનજીભાઈ મકવાણા (ઉં.વ. 55) મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.
ગત તારીખ 27 જુલાઈ 2026ના રોજ સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં દિલીપભાઈના મોટા પુત્ર અનીલ દિલીપભાઈ મકવાણા પોતાના જ દીકરાને કોઈ બાબતે ખીજાઈ રહ્યો હતો. આ દ્રશ્ય જોઈને દાદા તરીકે દિલીપભાઈએ પોતાના પુત્ર અનીલને દીકરાને નહીં ખિજાવાની સામાન્ય ટકોર કરી હતી, જે અનીલને સહન ન થતાં પિતા-પુત્ર વચ્ચે બોલાચાલી શરૂૂ થઈ ગઈ હતી. આ સામાન્ય બોલાચાલી એટલી હદે વધી ગઈ કે આરોપી અનીલ ઉશ્કેરાઈ ગયો અને પિતા સામે ઉદ્ધતાઈભર્યું વર્તન કરી બેફામ ગાળો બોલવા લાગ્યો હતો. જ્યારે પિતાએ તેને ગાળો બોલવાની ના પાડી ત્યારે તે વધુ ગુસ્સે ભરાયો હતો અને આવેશમાં આવીને નજીકમાં પડેલા પથ્થરના છૂટા ઘા પિતા પર કરવા લાગ્યો હતો.
આ હુમલા દરમિયાન એક પથ્થર દિલીપભાઈના માથાના પાછળના ભાગે વાગતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી અને લોહી વહેવા લાગ્યું હતું, જ્યારે હુમલો કર્યા બાદ આરોપી પુત્ર અનીલ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. આ લોહિયાળ બનાવ બાદ તરત જ અન્ય પુત્ર અજય મકવાણાએ પિતાને તાત્કાલિક રીક્ષામાં બેસાડીને પહેલા ગુંદાવાડી સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યાં ઈજાગ્રસ્ત પિતાના માથાના ભાગે ચાર ટાંકા આવ્યા હતા. સારવાર મેળવ્યા બાદ ભોગ બનનાર પિતાએ થોરાળા પોલીસ સ્ટેશનમાં હાજર થઈને પોતાના જ પુત્ર વિરુદ્ધ ધોરણસરની ફરિયાદ નોંધાવી છે.
