શહેરની ભાગોળે આવેલા રોણકી ગામે 30 વર્ષ પૂર્વે પરિણીતાનું પ્રસુતિ બાદ કમળાની બિમારી સબબ મોત નિપજ્યું હતું. પત્નીના મોત બાદ પતિએ જનેતા પર હત્યાની શંકા વ્યકત કરી હતી અને ગઈકાલે પુત્રએ જનેતા ઉપર છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા વૃધ્ધાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટના રોણકી ગામે રહેતાં લાભુબેન મેરામભાઈ માલકીયા નામના 65 વર્ષના વૃધ્ધા પોતાના ઘરે હતા ત્યારે વહેલી સવારે છએક વાગ્યાના અરસામાં પુત્ર ધીરૂ માલકીયાએ ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો. વૃધ્ધાને ઈજા પહોંચતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસ મથકને જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમિક પુછપરછમાં ઈજાગ્રસ્ત લાભુબેન માલકીયાના હુમલાખોર પુત્ર ધીરૂ માલકીયાની પત્ની મધુબેનનું 30 વર્ષ પહેલા પ્રસુતિ બાદ કમળાની બિમારી સબબ મોત નિપજ્યું હતું. માતા લાભુબેન માલકીયાએ પત્ની મધુબેન માલકીયાને મારી નાંખી હોવાની પુત્ર ધીરૂ માલકીયાએ શંકા વ્યકત કરી હતી. જેનો ખાર રાખી ધીરૂ માલકીયાએ તમે મારી પત્નીને મારી નાંખેલ છે તેવું કહી માતા લાભુબેન માલકીયા ઉપર છરી વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાને પગલે ગાંધીગ્રામ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
