જૂનાગઢના ભેસાણ તાલુકાના ખંભાળીયા ગામમાં એક દુ:ખદ ઘટના સામે આવી છે, જ્યાં ફક્ત નવી બાઈક ન મળતાં 28 વર્ષીય યુવકે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. પિતાએ હાલમાં પૈસાની સગવડ નથી પછી લઈ લેશું એમ કહેતા દીકરાને માઠુ લાગી આવ્યું અને પોતાનો જીવ ટૂંકાવી લીધો. દિવાળીના તહેવાર વચ્ચે બનેલી આ ઘટનાએ પરિવારમાં શોકનો માહોલ ફેલાવ્યો છે.
ભેસાણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ખંભાળિયા ગામના રહેવાસી અજયભાઈ ચંદુભાઈ સોલંકી (ઉં.28) નવી મોટરસાયકલ ખરીદવા માંગતો હતો. તેમણે આ અંગે પોતાના પિતા ચંદુભાઈ સાથે વાત કરી પરંતુ, આર્થિક સંકડામણને કારણે પિતાએ સ્પષ્ટપણે જણાવ્યું કે, હાલમાં પૈસાની સગવડ નથી પછી લઈ લેશું. આ જવાબથી અજય નિરાશ થયો અને આવેગમાં આવીને ઘરે ગળાફાંસો ખાઈ લીધો. આ ઘટનાએ પરિવારને શોકમાં ડૂબાડી દીધો. આ સમગ્ર મામલે ભેસાણ પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અન્ય ઘટનામાં,અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા ભરવાડવાસમાં રહેતી પરિણીતાએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી છે. પિયરપક્ષના લોકોએ મૃતકના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ વારંવાર દહેજની માગણી અને માનસિક-શારિરીક ટોર્ચ કરતા હોવાનો આક્ષેપ કરાયો છે. પરિણીતાએ આત્મહત્યા કરી લીધા બાદ તેના સાસરી પક્ષના લોકો ખાનગી હોસ્પિટલમાં મૃતદેહ મૂકી નાસી છૂટ્યા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. આ મામલે પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. મૃતકના દોઢ વર્ષ પહેલા જ લગ્ન થયા હોવાનું જાણવા મળ્યું છે.
