રેલનગરમાં પ્રમાણપત્ર ગુમ થવા મામલે પુત્રએ માતાના મિત્ર પર છરી વડે કર્યો હુમલો

યુવકને માથા અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ થતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ…

યુવકને માથા અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ થતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો

રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને ધોરણ 12ના પરિણામપત્ર ગુમ થવા બાબતે છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટના સંદર્ભે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતા 47 વર્ષીય ફરિયાદી ચંદ્રીકાબેન હરેશભાઇ વાઘેલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આ હુમલો તેમની સાથે મૈત્રી કરાર કરી રહેતા તેમના મિત્ર અમિતભાઇ મુળજીભાઇ ચુડાસમા પર કરવામાં આવ્યો હતો. બનાવની વિગત મુજબ, 29 જૂન 2026ના રોજ બપોરે 12:30 વાગ્યાના અરસામાં ફરિયાદીના પુત્ર હીમેશભાઇ હરેશભાઇ વાઘેલા અને કરમજીત પાજીએ અમિતભાઈ સાથે ઝઘડો કર્યો હતો. હીમેશનું સર્ટિફિકેટ અને રિઝલ્ટ અમિતભાઈએ ક્યાંક ગુમ કરી દીધું છે તેવો આરોપ લગાવીને બંને આરોપીઓ ગાળો બોલવા લાગ્યા હતા.

અમિતભાઈએ ગાળો બોલવાની ના પાડતા બંને આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા. આરોપીઓએ તેમની પાસે રહેલી છરીઓ વડે અમિતભાઈ પર જીવલેણ હુમલો કરી દીધો હતો. આ હુમલામાં અમિતભાઈને ડાબા કાન, ગળા, માથા તેમજ છાતીની બંને બાજુના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત અમિતભાઈને તાત્કાલિક સિવિલ હોસ્પિટલના સર્જરી વોર્ડમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આરોપીઓએ જતા જતા ’આજે તો તું બચી ગયો છે પરંતુ હવે પછી તને જાનથી મારી નાખવાનો છે’ તેવી ગંભીર ધમકીઓ પણ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *