ભક્તિનગરમાં સોની પરિવાર 3 કલાક માટે મકાન બંધ કરી ચોપડા પૂજન માટે દુકાને ગયો પાછળથી તસ્કરો હાથફેરો કરી ગયા
ઘરમાં અલગ અલગ જગ્યાએ રાખેલ કબાટ તિજોરીમાંથી રૂા.32.30 લાખના સોના ચાંદીના દાગીના અને આઠ લાખની રોકડની ચોરી
રાજકોટમાં તસ્કરોએ દિવાળીના શુકન સાચવી લીધા છે. શહેરના ભક્તિનગર સોસાયટીમાં રહેતાં અને પેલેસ રોડ પર દુકાન ધરાવતાં સોની વેપારીના ઘરમાં ત્રાટકેલા તસ્કરો રૂા.32.30 લાખના સોના ચાંદીના દાગીના અને 8 લાખની રોકડ મળી 40.30 લાખની મત્તા ચોરી જતાં આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ભક્તિનગર પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. સોની પરિવાર પોણા આઠ વાગ્યે ચોપડા પૂજન માટે પેલેસ રોડ સ્થિત દુકાને ગયો હતો પાછળથી બંધ પડેલા તેમના મકાનમાં તસ્કરો હાથફેરો કરી ગયા હતાં. રાત્રે સાડા અગિયાર વાગ્યે પરિવાર ચોપડા પૂજન કરીને પરત આવ્યો ત્યારે ચોરીની જાણ થઈ હતી. માત્ર ત્રણ કલાક બંધ પડેલા આ મકાનમાં ચોરીના બનાવથી સનસનાટી મચી ગઈ છે. આ મામલે પોલીસે વિશેષ તપાસ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ, ભક્તિનગર સોસાયટી શેરી નં.5 પોસ્ટ ઓફિસની સામે અલભ્ય મકાનમાં રહેતાં અને પેલેસ રોડ પર ઘડામણ ધ ફાઈન ક્રાફટીગ નામની સોના ચાંદીની દુકાન ચલાવતાં દિશાંત જયેશભાઈ રાણપરા (ઉ.30)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તે પોતાના પરિવાર સાથે ભક્તિનગર સોસાયટીમાં રહે છે. દિવાળીના તહેવારમાં દુકાને ચોપડા પૂજન વિધી હોય બધા ભાઈઓ સાથે ચોપડા પૂજન કરતાં હોય જેથી પરિવાર સાથે પોણા આઠ વાગ્યાની આસપાસ મકાન બંધ કરી ચોપડા પૂજન માટે પેલેસ રોડ સ્થિત દુકાને ગયા હતાં.
રાત્રીનાં સાડા અગિયાર વાગ્યાની આસપાસ ચોપડા પૂજન પુરૂ થતાં પરત ઘરે આવ્યા હતાં. દિશાંતભાઈ અને તેમના પત્ની પ્રથમ ઘરે પહોંચ્યા ત્યારે દરવાજાના તાળાની ચાવી તેમના માતા પાસે હોય જે પાછળથી ઘરે આવ્યા હોય માતાએ અને બહેને મકાનની ચાવી આપતાં દરવાજો ખોલી દિશાંતભાઈના માતા, પત્ની અને બહેન ઘરમાં સૌ પ્રતમ અંદર ગયા હતાં અને દિશાંતભાઈ પોતે બહાર ઉભા હોય તેવામાં તેમના માતા દોડતા દોડતાં પરત આવ્યા હતા અને ઘરમાં ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું.
દિશાંતભાઈ અંદર જતાં તપાસ કરતાં મકાનના નીચેના હોલમાં સામાન વેરવિખેર હતો. હોલની પાછળનો દરવાજો ખુલ્લો હતો તેમજ મકાનના ઉપરના માળે તેમના પિતાના રૂમના લાઈટ ચાલુ હતી ત્યાં પણ સામાન વેરવિખેર હતો. તેમના બહેન ભુમિબેનનાા રૂમનો દરવાજો ખુલ્લો હતો. બહેનના રૂમમાં રાખેલી તિજોરી ખુલ્લી હાલતમાં હતી અને સામાન વેરવિખેર હતો. દિશાંતભાઈના રૂમમાં લાકડાના કબાટની અંદર નાનુ ખાનુ હોય તે તોડવાની કોશીષ થઈ હોવાના નિશાન જોવા મળ્યા હતાં. તપાસ કરતાં ઘરના અલગ અલગ જગ્યાએ રાખેલા 29.50 લાખના 572 ગ્રામ સોનાના દાગીના તથા રૂા.2.81 લાખના 3 કિલો ચાંદીના દાગીના અને 8 લાખની રોકડ મળી રૂા.40.30 લાખની મત્તા ચોરી થઈ હતી.
આ ચોરી અંગેની જાણ થતાં ડીસીપી ઝોન-1 હેતલ પટેલ સાથે એસીપી તેમજ ક્રાઈમ બ્રાંચના ડીસીપી જગદીશ બાંગરવા, ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ.એન.ડામોર, સી.એચ.જાદવ, ભક્તિનગરના પીઆઈ મયુરધ્વજસિંહ સરવૈયા સાથે ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ એ.એન.પરમાર, પીએસઆઈ મોવલીયા સાથે વી.ડી.ડોડીયા સહિતનો સ્ટાફ ભક્તિનગર સોસાયટી ખાતે દોડી ગયો હતો અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
મકાનની અગાસીનો દરવાજો ખુલ્લો રહી જતાં તસ્કરો ફાવી ગયા, જાણભેદુની શંકા
ભક્તિનગર સોસાયટીમાં બનેલી 40.30 લાખની ચોરીની ઘટના અંગે પોલીસે પ્રાથમિક તપાસ કરતાં જાણવા મળ્યું કે, તસ્કરો અગાસીના ખુલ્લા દરવાજેથી અંદર ઘુસ્યા છે. ફરિયાદી દિશાંતભાઈ રાણપરાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતુ કે, પોતે પરિવાર સાથે ચોપડા પૂજન માટે મકાનના તમામ દરવાજા જાતે બંધ કરી તાળા મારી દુકાને ગયા હોય ત્યારે આ ચોરીની ઘટનામાં તસ્કરો કયાંથી ઘુસ્યા તે મામલે તપાસ કરવામાં આવતાં મકાનના અગાસીનો દરવાજો ખુલ્લો રહી ગયો હોવાનું જાણવા મળ્યું છે. આ ચોરીની ઘટનામાં કોઈ જાણભેદુ જ હોવાની શંકા સેવાઈ રહી છે. રાણપરા પરિવાર ચોપડા પૂજન માટે દુકાને ગયો ત્યારે માત્ર 3 કલાક બંધ રહેલા મકાનમાં તસ્કરો ચોરી કરી ગયા હોય ત્યારે આ ચોરીમાં કોઈ જાણકાર જ સંડોવાયેલું હોય અથવા તેણે ટીપ આપી હોવાનું માનવામાં આવી રહ્યું છે અને તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.
